અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એક વખત વધ્યા બાદ હવે બંને દેશો હુમલા રોકવા અને રાજદ્વારી વાતચીત ફરી શરૂ કરવા સહમત થયા છે. અહેવાલો મુજબ બંને પક્ષો મંગળવારે, 30 જૂન, કતારની રાજધાની દોહામાં બેઠક કરશે. આ બેઠકનો મુખ્ય મુદ્દો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક ગણાતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર અને સુરક્ષા રહેશે.
તાજેતરના દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સૈન્ય કાર્યવાહીથી પહેલેથી જ નાજુક બનેલો યુદ્ધવિરામ ફરી જોખમમાં આવી ગયો હતો. બંને દેશો એકબીજા પર MoUના ઉલ્લંઘનના આરોપ લગાવી રહ્યા છે. ઈરાનનો દાવો છે કે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અને નિયંત્રણ અંગે તેની શરતોનું પાલન થવું જોઈએ, જ્યારે અમેરિકા સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યું છે કે સમુદ્રી વેપાર અને જહાજોની સલામત અવરજવર પર કોઈ પણ પ્રકારનો હુમલો સહન કરવામાં નહીં આવે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વૈકલ્પિક રૂટનો મુદ્દો પણ તણાવનું કારણ બન્યો છે. અહેવાલો મુજબ, ઈરાને નવા સમુદ્રી માર્ગોને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તે માર્ગો તેના સાથે યોગ્ય સંકલન વિના જાહેર કરવામાં આવ્યા હતા. યુએન સાથે જોડાયેલી એજન્સીએ પણ જહાજોની બહાર કઢાવવાની પ્રક્રિયા અટકાવી હતી, કારણ કે તણાવ વધતા સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઉભી થઈ હતી.
આ તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એક સિંગાપોર-ફ્લેગવાળા કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાનો અહેવાલ સામે આવ્યો હતો. અમેરિકી અધિકારીઓએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. ત્યારબાદ અમેરિકી સેનાએ ઈરાનના સૈન્ય માળખા, ડ્રોન સુવિધાઓ અને રડાર સાઇટ્સને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
અમેરિકી કાર્યવાહી બાદ ઈરાને પણ પ્રતિક્રિયાત્મક હુમલા કર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે લગભગ ત્રણ દિવસ સુધી ચાલેલી જવાબી સૈન્ય કાર્યવાહીએ ગલ્ફ ક્ષેત્રમાં મોટા યુદ્ધની આશંકા ફરી વધારી દીધી હતી. જોકે, હવે હુમલા અટકાવવા અને ટેકનિકલ સ્તરે વાતચીત શરૂ કરવાની સહમતીને ડી-એસ્કલેશન તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
દોહામાં યોજાનારી વાતચીતમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજોના ટ્રાફિક, સલામત માર્ગ, ઈરાનની ભૂમિકા, અમેરિકી સુરક્ષા ગેરંટી અને MoUના અમલીકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અતિ મહત્વપૂર્ણ માર્ગ છે, તેથી અહીં ઉદ્ભવતો કોઈ પણ વિવાદ આંતરરાષ્ટ્રીય તેલ બજાર અને વૈશ્વિક વેપાર પર સીધી અસર કરી શકે છે. તાજેતરના હુમલાઓ બાદ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો હતો.
MoU અનુસાર બંને પક્ષોએ 60 દિવસ માટે યુદ્ધવિરામ જાળવવાનો અને આ સમયગાળા દરમિયાન કાયમી ઉકેલ માટે વાતચીત આગળ વધારવાનો કરાર કર્યો હતો. પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ અને જહાજોની અવરજવર અંગે અલગ-અલગ અર્થઘટનને કારણે ફરી અથડામણ સર્જાઈ હતી. હવે દોહાની બેઠક એ નક્કી કરશે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ શાંતિ તરફ વળે છે કે ફરી એક વખત ગલ્ફ ક્ષેત્ર યુદ્ધના જોખમમાં ધકેલાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel