આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે, 29 જૂને, પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્વારા આયોજિત આ જળયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો ભક્તોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.
જળયાત્રા આજે સવારે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરમાંથી વિધિવત રીતે પ્રસ્થાન થઈ હતી. યાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને બળદગાડા પર વિરાજમાન કરાયા હતા. ગજરાજ, ઘોડાગાડી, ધ્વજ-કળશ, કાવડિયાઓ અને અખાડાઓ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. સમગ્ર વિસ્તારમાં “જય જગન્નાથ”ના નાદ સાથે ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
આ જળયાત્રા સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે પહોંચશે, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે સાબરમતી નદીનું પવિત્ર જળ 108 કળશમાં ભરીને મંદિર ખાતે લાવવામાં આવશે. સંતો અને યજમાનો ક્રૂઝમાં બેસીને પવિત્ર જળ લાવશે. ત્યારબાદ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીનો ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ ભગવાન ભક્તોને વિશેષ ગજવેશ દર્શન આપશે.
ગયા વર્ષે જળયાત્રા દરમિયાન હાથીઓ ભડકવાના બનાવને ધ્યાનમાં રાખીને આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. ગજરાજ અવાજથી ભડકે નહીં તે માટે સમગ્ર રૂટ પર ઢોલ, નગારા અને ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ હાથીઓને સામાન્ય જનતા પાસેથી દૂર રાખવા અને બહારની વસ્તુઓ ખવડાવવાથી રોકવા માટે પણ કડક વ્યવસ્થા કરાઈ છે.
હાથીઓની સુરક્ષા અને દેખરેખ માટે પશુપાલન વિભાગના 2 ડોક્ટર, કાંકરિયા ઝૂના 1 ડોક્ટર તેમજ જિલ્લા પંચાયત અને ઝૂની વિશેષ ટીમો તૈનાત છે. ગજરાજની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
જળયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા માટે 500થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડ્સ તૈનાત કરાયા છે. પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રથયાત્રા અને જળયાત્રાના બંદોબસ્તમાં કોઈ ચૂક ન રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સંપૂર્ણ રૂટનું ફુલ-સ્કેલ રિહર્સલ પણ યોજાયું હતું.
મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંયુક્ત આયોજન હેઠળ 16 જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વેનો આ જળયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દિવસ-રાત કાર્યરત છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel