કપડવંજ તાલુકાના વડાલી ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈનના રેલ્વે ગરનાળામાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેને પરિણામે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોવા છતાંય કાયમી નિકાલ નહીં થતાં પંથકના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કપડવંજ મોડાસા રોડ ઉપર આવેલા વડાલી પાટીયાથી વડાલી ગામની વચ્ચેથી રેલ્વે લાઈન પસાર થાય છે. જ્યાં રેલ્વે લાઈનની નીચે વાહન વ્યવહાર માટે રેલ્વે ગરનાળું બનાવવામાં આવેલું છે. આ રેલ્વે ગરનાળામાં દર વર્ષે ચોમાસામાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે. આ પાણીનો લાંબા સમય સુધી તેનો નિકાલ થતો નથી. જેને પરિણામે વાહન ચાલકોને પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવા પડી રહ્યા છે. ત્યારે કેટલાક વાહન ચાલકોના વાહનોમાં પાણી ભરાઈ જવાથી વાહનો બંધ થઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવેલી છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રેલ્વે વિભાગને જાણ કરવા છતાં પણ રેલ્વે વિભાગ દ્વારા પાણીનો કાયમી નિકાલ કરવામાં આવી રહ્યો નથી. રેલ્વે વિભાગ દ્વારા મૂકવામાં આવેલું પાણી ખેંચવા માટેનું મશીન પણ શોભાના ગાંઠીયા સમાન પડી રહ્યું છે.તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. રેલ્વે ગરનાળામાં પાણી ભરાઈ રહેવાને કારણે હેમતાજીના મુવાડા, વડાલી, બાપુજીના મુવાડા, દંતાલી અને લેટર જેવા ગામના હજારો રહીશોને ત્રણથી ચાર ફૂટ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થવું પડી રહ્યું છે. દર વર્ષે ચોમાસામાં રેલ્વે ગરનાળામાં ભરાઈ રહેતા પાણીથી પંથકના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
5 વર્ષથી રેલવે વિભાગને જાણ કરવા છતાં કાયમી ઉકેલ નહીં.
આ અંગે અહીંના રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા ગામ પાસેના રેલ્વે ગરનાળામાં ત્રણથી ચાર ફૂટ જેટલું ચોમાસામાં પાણી ભરાઈ રહે છે જેને પરિણામે વાહનો બંધ પડી જાય છે. રેલ્વે ગરનાળામાં પાણી ભરાઈ જતા અમારે 7 થી 10 કિલોમીટર ફરીને જવું પડે છે. છેલ્લા પાંચ વર્ષથી રેલવે વિભાગને રજૂઆતો કરીએ છીએ. પરંતુ રેલ્વે વિભાગ દ્વારા ગરનાળામાં ભરાઈ રહેતા પાણીનો કાયમી નિકાલ કરવામાં આવતો નથી.