ચંદ્રયાન-૩ મિશન સંપૂર્ણપણે પૂરું થઇ ગયું છે. હવે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રોવર કદાચ પણ ફરીથી કાર્યરત નહીં થાય કે ફરીથી નહીં જાગે તો અમને તેનું જરાય દુઃખ નહીં થાય. વિક્રમ લેન્ડરે અને પ્રજ્ઞાાન રોવરે ખરેખર ઉત્તમ કામગીરી કરી છે. આમ છતાં અમે આ બંને ઉપકરણને ફરીથી જગાડવા એટલેકે ફરીથી કાર્યરત કરવા આવતીકાલની રાત સુધી શક્ય બધા પ્રયાસ કરીશું.
આમ છતાં અમે ભરપૂર ખુશી વ્યક્ત કરતાં કહીએ છીએ કે જબ તક સૂરજ ચાંદ રહેગા , તબ તક ચંદ્રયાન-૩ ચંદ્રમા પર રહેગા. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે આજે ગુજરાતના વેરાવળમાં આવી સ્પષ્ટતા કરી હતી.
સોમનાથે મહત્વનો ટેકનિક મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે વિક્રમ અને પ્રજ્ઞાાનની ઇલેક્ટ્રોનિક સર્કીટને નુકસાન નહીં થયું હોય તો તે બંને ફરીથી કાર્યરત થવાની શક્યતા ખરી.નહીં તો નહીં. કારણ એ છે કે ચંદ્રના દક્ષિણ ધુ્રવ પરના શિવશક્તિ પોઇન્ટનું તાપમાન માઇનસ(-) ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું અને અતિ અતિ ઠંડુગાર થઇ ગયું હતું. વિક્રમ અને પ્રજ્ઞાાન બંને તરફથી અમારા સિગ્નલનો કોઇ જ સાનુકુળ પ્રતિસાદ નથી મળતા કારણ કે બંને પાસે અમારા સિગ્નલ સમજવાની શક્તિ કે સમજ નથી રહી.
ઇસરોના ચેરમેને જોકે ઇસરોના ભાવિ કાર્યક્રમો વિશે મહત્વની જાણકારી આપતાં કહ્યું હતું કે ૨૦૨૩ના નવેમ્બરમાં અથવા ડિસેમ્બરમાં એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ (એક્સપોસેટ) પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ (પી.એસ.એલ.વી.) દ્વારા તરતો મૂકાશે. એક્સપોસેટ અનંત અંતરીક્ષમાંથી ફેલાતાં એક્સ-રે સોર્સ સહિત બ્લેકહોલ્સ, નેબ્યુલા, પલ્સાર વગેરેનો અભ્યાસ કરશે.
ઉપરાંત, ઇન્સેટ-૩ ડીએસ સેટેલાઇટ પણ નવેમ્બર કે ડિસેમ્બરમાં તરતો મૂકાશે જે હવામાન અને આબોહવામાં તથા ફેરફારનો અભ્યાસ કરશે.
નિસારનો મુખ્ય હેતુ પૃથ્વીના વિરાટ ગોળામાં અને તેની આબોહવામાં થઇ રહેલા અકળ અને ચિંતાજનક પરિવર્તનનો (ક્લાઇમેટ ચેન્જીસ) સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે. પૃથ્વી પર આવનારી પ્રાકૃતિક આફતોની સચોટ આગાહી થઇ શકશે.
નિસાર દર ૧૨ દિવસે પૃથ્વીના વિશાળ ગોળાનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને તેનો ખાસ પ્રકારનો નકશો તૈયાર કરશે.
ઉપરાંત, ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટના ક્રુ મોડયુલના માનવરહીત ફ્લાઇટ ટેસ્ટ થઇ ગયા બાદ ભારતીય અવકાશયાત્રીઓને ગગનયાનની કેપ્સુલમાં બેસાડીને અંતરીક્ષ પ્રવાસે મોકલવામાં આવશે.ગગનયાન ત્રણ દિવસ (૭૨ કલાક) સુધી આકાશમાં ૪૦૦ કિલોમીટરના અંતરે રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરશે. ત્યારબાદ ત્રણેય અવકાશયાત્રીઓ ભારતના સમુદ્રમાં ચોક્કસ સ્થાને ઉતરશે.