છેલ્લા કેટલાક સમયથી લોકોમાં વિટામિન બી-12ની ઊણપની સમસ્યા વધી રહી છે. અગ્રણી ડોક્ટરના કહેવા મુજબ હાલ દર 100માંથી 80 લોકોમાં વિટામિન બી-12 અને 60 લોકોમાં ડી-3ની મધ્યમથી ભારે ઊણપ જોવા મળે છે. આ બંને વિટામિનની ઊણપથી થાઈરોઈડ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હાડકાંના રોગો થવાની શક્યતા હોય છે.
દરમિયાન વધતી જતી આ સમસ્યાને ધ્યાને રાખી કોેર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હવે વિટામિન બી-12 તપાસ કરી તેના ઈન્જેક્શન તેમજ દવા વિનામૂલ્યે પૂરા પાડવા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકોને વિનામૂલ્યે ઈન્જેક્શન અને દવા મળી રહે તે માટે અર્બન હેલ્થ સેન્ટરમાં વ્યવસ્થા ગોઠવાશે. ખાનગી લેબમાં ટેસ્ટ મોંઘો પડે છે તેમજ ઈન્જેક્શનનો ખર્ચ પણ વધુ આવે છે.
ખોરાકમાં લીલાં શાકભાજીનો ઉપયોગ વધારવાની સલાહ
વિટામિન બી-12ની ઊણપ દૂર કરવા શાકાહારી લોકો માટે દૂધ અને તેની બનાવટની વસ્તુઓ ખાવી જરૂરી છે. તેમજ ખોરાકમાં લીલાં શાકભાજીનો ઉપયોગ વધારવો જોઈએ. જંકફૂડમાં આવતાં તત્ત્વો સૌથી વધુ જોખમી છે. ખાસ કરીને બાળકો અને યુવા વર્ગ જંકફૂડનું સેવન કરતા હોય છે તેનાથી બચવું જોઈએ. વિટામિન બી-12ની ઊણપ દૂર કરવી હોય તો ફૂડ ફોર્ટિફીકેશનની ખાસ જરૂર છે.
13થી 40 વર્ષના લોકોને રોજ 2.4 માઈકોગ્રામ વિટામિન બી-12ની જરૂર હોય છે
- 1થી3 વર્ષની વયના બાળકોને દરરોજ 0.9 માઈકોગ્રામ વિટામિન બી-12ની જરૂર હોય છે.
- 4-8 વર્ષનાં બાળકોને 1.2 માઈક્રોગ્રામ વિટામિન બી-12ની જરૂર હોય છે.
- 9થી 12 વર્ષનાં બાળકોને દરરોજ 1.8 માઈકોગ્રામ વિટામિન બી-12ની જરૂર હોય છે.
- 13થી 40 વર્ષની લોકોને 2.4 માઈકોગ્રામ બી-12ની જરૂર છે.
- સગર્ભા સ્ત્રીઓને દરરોજ 2.6 માઈકોગ્રામ વિટામિન બી-12ની જરૂર.
ROના પાણીને લીધે B-12ની ઊણપ
આરઓ વોટરને લીધે વિટામીન બી-12 અને સૂર્યપ્રકાશને અભાવે 70થી 80 ટકાથી વધુ લોકોમાં ડી-3ની ઊણપ જોવા મળે છે. કોવિડ બાદ વિટામીન બી-12 અને વિટામીન ડી-3ની ટેબ્લેટ અને ઇન્જેક્શનના વેચાણમાં 25 ટકા વધારો થયો છે. વિટામીન ડી-3 કરતા વિટામીન બી-12ની ઊણપ લોકોમાં વધુ છે. >જશવંત પટેલ, પ્રેસિડેન્ટ, ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ, કેમિસ્ટ એસોસિએશન
ડોક્ટરની સલાહ મુજબ કોર્સ પૂરો કરવો
વિટામીન બી-12ની ઊણપ શાકાહારી અને માંસાહારી બંને લોકોમાં જોવા મળે છે. પરંતુ, વિટામીન બી-12ની ઊણપ માટે મુખ્યત્વે આરઓનું પાણી જવાબદાર હોય છે, જેથી લોકોએ દિવસમાં એકથી બે વાર નળમાં આવતું પાણી પીવું જોઇએ. ડોક્ટરની સલાહથી વિટામીન- બી 12 અને ડી-3નો કોર્સ પૂરો કરવો જરૂરી છે, છતાં લોકોએ એકથી બે મહિનામાં દવા બંધ કરી દેતાં હોય છે.