વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર-તમિલ સંગમના સમાપન સમારોહમાં કહ્યુ કે, આજે સૌરાષ્ટ્રની ધરતી પર ફરી એકવાર આપણે ભારતની બે પ્રાચીન ધારાઓનો સંગમ જોઈ રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે- આ સંગમ ફક્ત ગુજરાત અને તમિલનાડુનો સંગમ નથી, પણ આ દેવી મિનાક્ષી અને દેવી પાર્વતીના રૂપમાં શક્તિની ઉપાસનાનો ઉત્સવ પણ છે.
વડાપ્રધાને કહ્યુ કે, ભગવાન સોમનાથ અને ભગવાન રામનાથના રૂપમાં એક શિવની ભાવનાનો ઉત્સવ છે. આ સંગમમ નાગેશ્વર અને સુંદરેશ્વરની ધરતીનો સંગમ છે. આ સંગમ દ્વારકા અને મદુરાઈનો છે. તમે તમારા પૂર્વજોની ધરતી પર આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, તમારા ચહેરા પરની ખુશી જોઈને હું કહી શકું છું કે તમે અહીંથી ઘણી બધી યાદો અને ભાવનાત્મક અનુભવો પાછા લઈ જશો.
પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાત અને તમિલનાડું વચ્ચેની ઘણી વાતો જાણી જોઈને આપણી જાણકારીથી બહાર રાખવામાં આવી. વિદેશી આક્રમણોના સમયે સૌરાષ્ટ્રથી તમિલનાડુના સ્થળાંતરની થોડી ચર્ચા ઈતિહાસના કેટલાક જાણકારો સુધી જ સિમિત રહી હતી, પરંતુ બંને રાજ્યો વચ્ચે પૌરાણિક કાળથી એક ઘેરો સંબંધ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે- આપણી પાસે 2047 ભારતનું લક્ષ્ય છે. આપણી સામે ગુલામી અને તેના બાદ સાત દાયકાના પડકારો પણ છે. આપણે દેશને આગળ લઈ જવાનો છે. આ દરમિયાન રસ્તામાં તોડવાવાળી શક્તિઓ મળશે. ભટકાવનારા લોકો મળશે. પરંતુ ભારત કઠોરમાં કઠોર મુશ્કેલીમાં પણ કંઈક નવું કરવાની તાકાત ધરાવે છે.
સોમનાથમાં યોજાયેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ મહોત્સવની આજે પૂર્ણાહૂતિ થઈ છે. સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના વર્ષો જૂના સંબંધોની કેટલીક મહત્વની વાતો પર ભાર મૂક્યો. ગુજરાતના ગીર સોમનાથમાં 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર-તમિલ સંગમમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની આખા દેશમાં ચર્ચા થઈ હતી. જે બાદ દેશના અલગ-અલગ ભાગોમાં આ પ્રકારના કાર્યક્રમોના સ્વયંભૂ પ્રયાસો શરૂ થયા છે.
આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઉપર લખાયેલું 113 શ્લોકનું પુસ્તક ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રશસ્તિ:નું વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ચ્યુઅલી વિમોચન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે તમિલનાડુના સૌરાષ્ટ્રિયન ગાયક કલાકાર ટી.એમ.સૌંદરરાજનના તમિલ ગીત ભજનોની પ્રસ્તુતિ કલાકારોએ કરી હતી.આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતોમાં વિજેતા થયેલી તમિલનાડુ અને ગુજરાતના ખેલાડીઓની ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.