વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને પાકિસ્તાન સાથે તંગદિલી મુદ્દે ઉપદેશ આપનારા યુરોપિયન દેશોને આડે હાથ લીધા છે. નેધરલેન્ડની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં જયશંકરે કહ્યું કે, ભારતને પાર્ટનર એટલે કે સાથીદારોની જરૂર છે, નહીં કે ઉપદેશકોની. યુરોપિયન યુનિયન પહેલાં વાસ્તવિકતા પર નજર કરે અને બાદમાં અમને ઉપદેશ આપે. યુરોપની તકલીફો વિશ્વની સમસ્યા છે, પરંતુ વિશ્વની તમામ સમસ્યાઓ યુરોપની નથી. યુરોપ માને છે કે, જે તેનું છે તે તેનું જ છે અને અમારા પર પણ તેનો હક છે. ખરેખર યુરોપે પોતાની આ માનસિકતામાંથી બહાર આવવું જોઈએ.
યુરોપિયન યુનિયનનું બેવડું વલણ
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી મુદ્દે યુરોપિયન યુનિયનના વાઈસ પ્રેસિડન્ટ કાજા કલાસે તણાવ શાંતિથી ઉકેલવા અપીલ કરી હતી. જ્યારે બીજી બાજુ યુરિપિયન દેશ રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને સપોર્ટ કરી મોસ્કો માટે પડકારો ઉભા કરી રહ્યું છે. કિવને જરૂરી સૈન્ય અને આર્થિક સહાય આપી રહ્યું છે. યુરોપના આ બેવડા વલણ પર જયશંકરે આકરા પ્રહારો કર્યા હતા કે, યુરોપના દેશો બીજા વિશ્વ યુદ્ધ બાદથી સ્થિરતા અને શાંતિ રાખી રહ્યા છે. ખાસ કરીને 1991-92 બાદથી વધુ સારી સ્થિતિમાં છે. તમે તો આતંકવાદનો ઈનકાર કરતાં આવ્યા છો. પરંતુ અમે સતત આઠ દાયકાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. તમે જે સત્ય જોઈને જાગ્યા છો, તેનો અમે વર્ષોથી સામનો કરી રહ્યા છીએ.
બે પડોશીના કારણે અમારી સામે પડકારો
જયશંકરે કહ્યું કે, અમારી પાસે બે આકરા પાડોશી છે. ચીન અને પાકિસ્તાન. અમે પાકિસ્તાન તરફથી આતંકવાદની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ મને લાગે છે કે, યુરોપિયન દેશો અમારી આ સમસ્યાઓને નજરઅંદાજ કરતાં આવ્યા છે. ચીન પણ અમારી સરહદોમાં ઘૂસણખોરી કરી અવળચંડાઈ કરી રહ્યું છે. આ મુદ્દે એક પત્રકારે તેમને પૂછ્યું કે, જો પાકિસ્તાન અને ચીન સાથેનો તણાવ દૂર કરવામાં આવે તો ત્રણેય દેશ ઝડપથી આગળ વધશે. જેના પર જયશંકરે જવાબ આપ્યો કે, તમે યુરોપમાં બેઠા હોવાથી તમને લાગી રહ્યું છે કે, આ સમસ્યા સરળતાથી ઉકેલાઈ શકે છે. પરંતુ ભારતે હંમેશા સુરક્ષાના પડકારોનો સામનો કર્યો છે. અમે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપીએ છીએ. ભારતના સુરક્ષાના પડકારો યુરોપની તુલનાએ અનેકગણા છે. આ સ્થિતિમાં અમારે સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. યુરોપની સ્થિતિ બીજા વિશ્વ યુદ્ધ બાદ શાંતિપૂર્ણ અને સ્થિર છે.
આઠ દાયકાથી આતંકનો ભોગ બને છે ભારત
વિદેશ મંત્રીએ કહ્યું કે, યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ 1991-92 બાદ સ્થિતિ સામાન્ય બની છે. સ્થિરતા વધી છે. જિઓ-પોલિટિકલ ક્ષેત્રે માહોલ સામાન્ય બન્યો છે. પણ અમારી સ્થિતિ સામાન્ય નથી. તેમણે કહ્યું કે, યુરોપ આજની વાસ્તવિકતા પર નજર કરે. આ વાસ્તવિકતા સાથે અમે છેલ્લા આઠ દાયકાથી જીવી રહ્યા છીએ. જેથી અમારી પાસે સુરક્ષાને મજબૂત બનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી.
ભારતને કોઈ મધ્યસ્થીની જરૂર નથી
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં ટ્રમ્પનો મધ્યસ્થી બન્યા હોવાનો દાવો નકરાતા જયશંકરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાને સીધી વાતચીતના માધ્યમથી યુદ્ધવિરામને સહમતિ આપી છે. કોઈ ત્રીજા પક્ષે દખલગીરી કરી નથી. આ અમારા બે દેશો વચ્ચેનો મુદ્દો છે. જેને અમે જાતે જ ઉકેલીશું. આગળ પણ અમારે કોઈ મધ્યસ્થીની જરૂર નથી. અમે પાકિસ્તાન સાથે વાત કરવા તૈયાર છીએ. પરંતુ જો તે આતંકવાદનો ખાતમો કરવા પર ફોકસ કરે તો…