શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા સ્થિત જગત મંદિરમાં આ પર્વની ભવ્ય ઉજવણી માટે નિત્યક્રમની વિગતવાર જાહેરાત પૂજારીઓ દ્વારા કરવામાં આવી છે. દ્વારકાધીશના દર્શન માટે લાખો વૈષ્ણવો દેશમાં તેમજ વિદેશમાંથી આ પાવન દિવસે દ્વારકા પહોંચે છે. જગત મંદિરમાં જન્માષ્ટમીનો મહિમા અનોખો અને ભવ્ય હોય છે, જેમાં પરંપરાગત રીતરિવાજો સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવનું સંયોજન જોવા મળે છે.
16મી ઓગસ્ટના રોજ, જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે 6:00 વાગ્યે મંગલા આરતીથી કાર્યક્રમોની શરૂઆત થશે. આ સમયે આરતી સાથે જ ભક્તો માટે પ્રભુના દ્વાર ખુલ્લા થશે, જેથી તેઓ મંગલા દર્શનનો લાભ લઈ શકે. સવારે 6:00 થી 8:00 વાગ્યા સુધી મંગલા દર્શન ખુલ્લા રહેશે, ત્યારબાદ સવારે 8:00 થી 9:00 વાગ્યા દરમિયાન ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવશે, જેના દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. અભિષેક પૂર્ણ થયા બાદ સવારે 9:00 વાગ્યે પ્રભુને શણગાર કરવામાં આવશે અને સવારે 9:30 વાગ્યે શણગાર દર્શન માટે દ્વાર ખુલ્લા થશે.
સવારે 10:30 વાગ્યે શ્રીકૃષ્ણની શૃંગાર આરતી કરવામાં આવશે, ત્યારબાદ બપોરના 12:00 વાગ્યે રાજભોગ ધરાવવામાં આવશે. બપોરના 1:00 વાગ્યા સુધી ભક્તો સવારના તમામ નિત્યક્રમ મુજબ દર્શન કરી શકશે. બપોરે 1:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે, જેથી પ્રભુ આરામ કરી શકે. સાંજે 5:00 વાગ્યે ઉત્થાપન દર્શન શરૂ થશે, જે પછી સાંજે 7:00 વાગ્યે સંધ્યા દર્શન અને 7:30 વાગ્યે સંધ્યા આરતી યોજાશે. સાંજે 8:30 વાગ્યે શયન આરતી કરવામાં આવશે અને રાત્રે 9:00 વાગ્યે ઠાકોરજીને શયન કરાવવામાં આવશે.
જન્મોત્સવની મુખ્ય ઉજવણી રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે, જ્યારે પ્રભુને ભક્તિભાવથી જગાડી બંધ પડદે મંગલા આરતી કરવામાં આવશે અને જન્મ સ્નાનની વિધિ યોજાશે. ત્યારબાદ બરાબર રાત્રે 12:00 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભવ્ય ધ્વનિ, મંગલગાન, શંખનાદ અને જયઘોષ વચ્ચે ઉજવાશે. આ પ્રસંગે જગત મંદિર દ્વારકા ખાતે સૌ પૂજારી પરિવાર અને લાખો વૈષ્ણવો ભેગા થઈ પ્રભુ વ્હલાના વધામણા કરશે, જેના દર્શનનો લાભ લેવા ભક્તો વહેલી સવારે જ મંદિર પરિસરમાં પહોંચી જાય છે. સમગ્ર દ્વારકા આ પાવન પર્વે દિવ્ય પ્રકાશ, ભજન-કીર્તન અને ભક્તિભાવના માહોલથી ઝળહળી ઊઠશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel