દિલ્હીના એક્સાઇઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૫ એપ્રીલ સુધી તિહાર જેલમાં મોકલી દેવાયા છે. કેજરીવાલે ઇડી દ્વારા કરાયેલી ધરપકડ સામે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેની બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઇડી વતી હાજર એડિ. સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે અપરાધી આમ નાગરિક હોય કે મુખ્યમંત્રી તેમની ધરપકડ કરીને જેલમાં નાખવા જોઇએ. જ્યારે કેજરીવાલ વતી વરીષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ પણ દલીલો કરી હતી.
હાઇકોર્ટમાં જ્યારે સવાલ ઉઠયો કે આપ નેતાઓને ત્યાં ઇડીના દરોડા દરમિયાન કોઇ રૂપિયા નથી મળ્યા તેના જવાબમાં એડિ. સોલિસિટર જનરલે કહ્યું હતું કે મારા ઘરે કઇ નથી મળ્યું તેવો સવાલ જ પેદા નથી થતો, સ્કેમના રૂપિયા તો તમે ગોવાની ચૂંટણીમાં ખર્ચ કરી નાખ્યા. જ્યારે ઇડી કેજરીવાલને સવાલ કરે છે કે ક્યાં ગયા રૂપિયા તો તેઓ જવાબ આપે છે કે મને ખ્યાલ નથી. મારા ઘરેથી તો રૂપિયા નથી મળ્યા. તમે (કેજરીવાલે) રૂપિયા કોઇ અન્યને આપી દીધા હોય તો ક્યાંથી મળે? સાથે બીજો સવાલ કેજરીવાલ એ પણ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણી પહેલા જ મારી ધરપકડ કેમ કરવામાં આવી. તેના જવાબમાં એસવી રાજુએ કહ્યું હતું કે કોઇ હત્યા કે બળાત્કાર કરે તો શું તેની ચૂંટણી પહેલા ધરપકડ ના કરી શકાય? આ કેવી દલીલો છે? આવી બોગસ દલીલોને ફગાવી દેવી જોઇએ. આ કેસમાં કૌભાંડ તો થયું જ છે.
બીજી તરફ અરવિંદ કેજરીવાલ વતી હાજર વકીલ અભિષેક સિંઘવીએ પણ ધારદાર દલીલ કરી હતી, તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સામે માત્ર નિવેદનો જ ઇડીનો આધાર છે, ઇડીએ આ નિવેદનો આપવા માટે રાઘવ મગુંટા, સરથ રેડ્ડી અને મગુટા રેડ્ડી પર દબાણ કર્યું હતું. કેજરીવાલ વિરુદ્ધ નિવેદનો આપનારા આ ત્રણમાંથી બે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે. અગાઉ આ લોકોની પૂછપરછ કરાઇ ત્યારે કેજરીવાલ સામે કોઇ પુરાવા ના મળ્યા, બાદમાં જ્યારે આ લોકોની ધરપકડ કરાઇ ત્યારે કેજરીવાલ સામે નિવેદનો આવવા લાગ્યા. બાદમાં ધરપકડ કરાયેલાને વિરોધ વગર જામીન મળી ગયા. આશ્ચર્યની વાત એ છે કે કેજરીવાલ સામે નિવેદન આપનારો એક હાલ સત્તાધારી પક્ષનો ચૂંટણીમાં ઉમેદવાર પણ છે. અને તેનું નામ છે માગુંટા રેડ્ડી. જ્યારે બીજાએ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. તેનું નામ સરત રેડ્ડી છે. કેજરીવાલની હાલ એટલા માટે ધરપકડ કરાઇ કે જેથી તેઓ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાગ ના લઇ શકે. કોઇ પણ પ્રકારની તપાસ, પુરાવા કે નક્કર નિવેદન વગર ધરપકડ કરવામાં આવી છે. હાલ કોર્ટમાં કેજરીવાલ અને ઇડી બન્નેની દલીલો પૂર્ણ થઇ ગઇ છે અને હાઇકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.