વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નવા રિપોર્ટ અનુસાર વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 450 કરોડ લોકો મૂળભૂત સ્વાસ્થ્ય સેવાઓથી પણ વંચિત છે. જેમાં ઘણા રોગો તો લોકોની પોતાની જ બેદરકારીના પરિણામ છે. 2021ના ડેટાના વિશ્લેષણમાં COVID-19 મહામારીના સંભવિત લાંબાગાળાની અસરોને સામેલ નથી કરાઈ. વૈશ્વિક સ્તરે લગભગ 200 કરોડ લોકો એવા છે જેઓ સારવારના ખર્ચ હેઠળ દબાયેલા છે અને તેમણે જાતે જ આ ખર્ચનું વહન કરવું પડી રહ્યું છે. આ ખર્ચને કારણે લગભગ 130 કરોડ લોકો ગરીબીના જાળમાં ફસાયા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વર્લ્ડ બેંકનો નવો રિપોર્ટ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટ ‘ટ્રેકિંગ યુનિવર્સલ હેલ્થ કવરેજ-2023 ગ્લોબલ મોનિટરિંગ રિપોર્ટ’ અનુસાર મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં બિનચેપી રોગો, ચેપી રોગો, માતા અને બાળ સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણીય સ્વાસ્થ્ય અને કૂપોષણનો સમાવેશ થાય છે. આ સ્વાસ્થ્ય પડકારો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, પર્યાવરણીય પ્રદૂષણ અને આરોગ્ય સેવાઓ સુધી અપર્યાપ્ત પહોંચને કારણે ઝીલવા પડે છે. જીવનશૈલી સંબંધિત રોગો જેમ કે ધૂમ્રપાન, આલ્કોહોલ અને ડ્રગ્સનો વધુ પડતો ઉપયોગ અને શારીરિક નિષ્ક્રિયતા સમાન જોખમ વ્યક્ત કરે છે. તેના પરિણામે હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, સ્થૂળતા, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવનો વિકાસ થાય છે. અમુક પ્રકારના કેન્સરની સારવારમાં પણ મોટો ખર્ચ થાય છે.
અર્થતંત્ર માટે પણ ખતરો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયસ કહે છે કે પાયાની આરોગ્ય સેવાઓનો અભાવ પણ સમાજ અને અર્થવ્યવસ્થાની સ્થિરતાને જોખમમાં મૂકે છે. જેઓ શિક્ષણના અભાવે અને પોતાની બેદરકારીને કારણે વિનાશક રોગોની જાળમાં ફસાઈ જાય છે તેમના માટે સરકારો દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે.