રવિવારે સાંજે અહીં યોજાયેલા રાષ્ટ્રીય સિંધી અધિવેશનમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આપણો વારસો કદી પણ આપણાથી દૂર ન થઈ શકે. જેઓ વારસો ભૂલી ગયા અને તેને દૂર રાખ્યો, તે સર્વેનું પતન થયું છે.
૫૦૦ વર્ષ પછી રામ જન્મ ભૂમિ પરત લઈ શકાય છે. તો કોઈ કારણ જ નથી કે સિંધુ પાછી ન લઈ શકીએ. યોગીનાં આ વિધાનોથી માત્ર રાજ્ય અને દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખળભળાટ થઈ ગયો છે. પાકિસ્તાનને તો એટલા મરચા લાગ્યાં છે કે, તેણે સત્તાવાર વિરોધ પણ નોંધાવ્યો છે.
રવિવારે સાંજે સિંધી કા ઉત્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલા બે દિવસનાં અધિવેશનમાં વક્તવ્ય આપતાં યોગીએ કહ્યું હતું કે, માત્ર એક જ વ્યક્તિની જીદને લીધે દેશે વિભાજનના ત્રાસમાંથી પસાર થવું પડયું. વિભાજન સમયે લાખ્ખો લોકોની કત્લ થઈ. સિંધી સમાજે પોતાના ઇતિહાસ અંગે તેની આ વાત આવતી પેઢીને દર્શાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે જો રામજન્મ ભૂમિ ૫૦૦ વર્ષ પછી પાછી લઈ શકાય છે, તો કોઈ કારણ નથી કે સિંધુ પાછી ન લઈ શકાય.
યોગીનાં આ વિધાનોથી પાકિસ્તાન ઘણું જ નારાજ થયું છે. તેનાં વિદેશ મંત્રાલયે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરાવા સામે તેમજ યોગીનાં આ વિધાનો સામે પાકિસ્તાનનો વિરોધ નોંધાવ્યો છે. તેણે જણાવ્યું છે કે, યોગીનાં તે વિધાનો ઉશ્કેરાટ ફેલાવનારા અને અખંડ ભારતના નિરાધાર દાવા પ્રેરિત છે. સાથે તેણે ભારતીય નેતાઓને પાડોશી દેશો સાથેનો વિવાદ ઉકેલવા તથા તેમની સાથે મળીને શાંતિપૂર્ણ તથા સમૃદ્ધ દક્ષિણ એશિયા રચવા માટે કાર્યરત રહેવા અપીલ કરી છે.