યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ભારત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર માન્યો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ શુભકામનાઓ પાઠવતાં યુક્રેનના લોકો માટે શાંતિ અને પ્રગતિશીલ ભવિષ્યની કામના કરી હતી. તેના પ્રતિભાવમાં ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, “યુક્રેન શાંતિ અને સંવાદ પ્રત્યે ભારતના સમર્પણને બિરદાવે છે. જ્યારે આખી દુનિયા આ વિનાશક યુદ્ધનો અંત લાવવા પ્રયાસ કરી રહી છે, ત્યારે અમને વિશ્વાસ છે કે ભારતનું યોગદાન આ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. દરેક વ્યૂહાત્મક નિર્ણય માત્ર યુરોપમાં જ નહીં, પરંતુ હિન્દ-પ્રશાંત પ્રદેશની સુરક્ષા માટે પણ પ્રભાવક બને છે.” ઝેલેન્સ્કીએ 15 ઓગસ્ટે ભારતના સ્વતંત્રતા દિવસ પર પણ અભિનંદન પાઠવતા આશા વ્યક્ત કરી હતી કે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયત્નોમાં ભારત સહાયરૂપ બનશે.
Thank you, Prime Minister @narendramodi, for the warm greetings on Ukraine’s Independence Day. We appreciate India’s dedication to peace and dialogue. Now, as the entire world strives to end this horrible war with dignity and lasting peace, we count on India’s contribution. Every… pic.twitter.com/FtwkXUhtEH
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 25, 2025
પીએમ મોદીએ ઝેલેન્સ્કીના શુભેચ્છા સંદેશ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભારત-યુક્રેન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મોદીએ પોતાના સંદેશમાં લખ્યું હતું કે, “હું આ અવસર પર તમને અને યુક્રેનના લોકોને તમારા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ગયા વર્ષે કિવની મારી મુલાકાત યાદગાર રહી હતી અને ત્યારથી દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. હું અમારા પરસ્પર સહકારને વધુ મજબૂત કરવા આતુર છું. ભારત હંમેશા શાંતિનું સમર્થન કરતું આવ્યું છે અને સંવાદ તથા રાજદ્વારી દ્વારા સંઘર્ષનો વહેલો, સ્થાયી અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે દરેક પ્રયત્નને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.”
આ નિવેદનો માત્ર ભારત-યુક્રેન સંબંધોને ગાઢ બનાવે છે એટલું જ નહીં, પરંતુ વૈશ્વિક રાજદ્વારીમાં ભારતની શાંતિપ્રિય ભૂમિકા અને વિશ્વાસપાત્ર છબીનું પણ પ્રતિક છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel