ધામોદ ખાતે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 1200 વર્ષ જૂના મહાદેવજીના આ મંદિરે પાંડવોએ પૂજા કરી હતી. અહિં એકાદશીએ પૂજા કરવાનો અનોખો મહિમા છે. એકાદશીએ કરવામાં આવતી વિશેષ પૂજાથી તેનું વિશેષ ફળ મળે છે. ત્રણ તાલુકાના ત્રિભેટે આવેલા કેદારેશ્વર મહાદેવજીના મંદિરેમાં પાંડવોએ વસવાટ કર્યો હતો. મહીસાગર જિલ્લાના વીરપુર, લુણાવાડા અને અરવલ્લીના ધોળી ડુંગરીથી વીરપુર રોડ પર આવેલા જોધપુર પાસે ડુંગરોની હરોળમાં ગીચ જંગલ વચ્ચે ધામોદમાં કેદારેશ્વર મહાદેવ બિરાજમાન છે. ડુંગર પર કિલ્લા વચ્ચે આવેલા કેદારેશ્વર મંદિરનું વાતાવરણ રમણીય છે. લુણાવાડાની ઉંતરે ખાનપુર તાલુકાના કલેશ્વરીથી લઇ કપડવંજ સુધીનો પ્રદેશ હેડંબાવન તરીકે ઓળખાતો હતો. કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન છે. પાંડવો અજ્ઞાતવાસમાં આ સ્થળે હતા ત્યારે નદીમાં સ્નાન કરવા ઉતરેલા ભીમ નદીમાં પાણી ઓછું હોવાથી નદી વચ્ચે આડા પડતા પાણી વધારે માત્રામાં એક બાજુ ભરાઈ જતા પાણી મંદિરમાં ભરાઈ ગયુ હતું. આ મંદિરે ભગવાન ભોળાનાથનું એકવાર નામ લેવાથી તેનું અનેક ગણુ ફળ મળવાની માન્યતા છે.
મહીસાગરના ધામોદ ગામે કેદારેશ્વર મહાદેવ બિરાજમાન
શેઢી નદી પર આવેલું મંદિર ત્રણ તાલુકાના લોકોની આસ્થાનું કેન્દ્ર
શેઢી નદીના ઉપરના ભાગે આવેલું કેદારેશ્વર મહાદેવનું મંદિર ત્રણ તાલુકાના લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. એક લોકવાયકા પ્રમાણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે અહીં સ્થિત મૂર્તિઓ બોલી ઊઠી હતી. અહીં ગણપતિજીની બે મૂર્તિ, માતાજીની બે મૂર્તિ, હનુમાનજીની બે મૂર્તિ અને મહાદેવજીના બે પોઠીયા બિરાજમાન છે. જ્યારે આ મંદિરમાંથી મૂર્તિઓ હટાવવામાં આવી અને નવી મૂર્તિઓ મૂકવામાં આવી ત્યારે મૂર્તિમાંથી અવાજ આવ્યો હતો અને લોહીની ધારા વહી હતી ત્યારથી આ મંદિરમાં બે બે મૂર્તિઓ બિરાજમાન છે. મંદિર આવતા ઘણા ભાવિક ભક્તોને ભગવાનના સાક્ષાત્કાર થયા છે એકાદશીએ સફરજનનું ફળ મહાદેવને ચઢાવવાથી મનોવાંચ્છિત ફળ મળે છે અને નિસંતાન દંપતિના ઘરે બાળકનો જન્મ થાય છે તેવી માન્યતા છે. મહાદેવજીના મંદિરે દેશભરમાંથી ભાવિકો દર્શન કરવા આવે છે અને ભોળાના દર્શન કરી ધન્ય થઈ સકારાત્મક ઉર્જા સાથે પાછા જાય છે.