ખેડા જિલ્લામાં અંદાજિત 1700 બહેનો આશા-ફેસીલીએટરની કામગીરી કરી રહી છે. જે તમામ દેશ વ્યાપી આંદોલનમાં જોડાઈ આજે અને આવતીકાલે એમ સામૂહિક માસ સીએલ પર ઉતર્યા છે. અગાઉ રજૂ કરેલ માંગણી ન સંતોષાતા અને કામના ભારણ તથા તેની સામે મળતા ઓછા વેતન મામલે બહેનોએ કામથી અળગા રહી દેખાવો કર્યા છે. ખેડા જિલ્લાની આ તમામ બહેનોએ શુક્રવારે જૂની જિલ્લા પંચાયત પવનચક્કી રોડ પાસેથી રેલી યોજી ડભાણ રોડ પર આવેલ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના નેજા હેઠળ અપાયેલ આવેદનપત્રમાં છે કે, 2 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો ધ્વારા માંગણીઓ સંદર્ભે દેશનાં તમામ સ્કીમ વર્કરો 16 અને 17 ફેબ્રુઆરીના રોજ કામથી અળગા રહેશે.તેની જાણ નોટીસ દ્રારા જે-તે વિભાગને કરાઈ છે. રાજ્યમાં પણ લાંબા સમયથી આંગણવાડીઓ અને આશા વર્કર- ફેસીલીએટર પોતાની માંગણીઓ રજુ કરેલ હોવા છતાં રાજય સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરાયું નથી.
આંગણવાડી- આશા-ફેસીલીએટર બહેનો ઉપર મોબાઈલ ડેટા એન્ટ્રી સહિત મુખ્ય કામનો બોઝ વધતો જાય છે. તે પ્રમાણમાં વળતર કે વેતન વધતું નથી- મોંઘવારી પણ વધી છે. ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમાધાન થયેલા પરંતુ અમલ ના થયાનો આક્ષેપ કરાયા છે. બિલો ન ચુકવાતા આંગણવાડી વર્કરો સ્વઃ ખર્ચે બાળકોને આહાર આપે છે. ત્રણ મહિનાના બિલો ચુકવાયા નથી. કેટલાક ઘટકોમાં 6 માસથી બિલો ચુકવાયા નથી. આમછતાં આંગણવાડી વર્કરો બાળકોની ચિંતા કરી આહાર આપે છે. સગર્ભા માતાને આહાર અપાય છે. જયારે આશા વર્કરો- ફેસીલીએટરોને 6 માસથી વધુ સમયથી રૂપિયા 2500/ વધારો કે ઈન્સેન્ટીવની રકમ ચૂકવાઈ નથી. છતાં આરોગ્યની કામગીરી બજાવી રહી છે. આ સાથે ચાર વર્ષથી મંજુર થયેલ ડ્રેસ પણ તૈયાર હોવાછતાં અપાયા નથી. આથી આ આંગણવાડીઓ અને આશા વર્કર-ફેસીલીએટરો બેઠક યોજવાની માંગણી સાથે બે દિવસ સુધી બંધારણીય માર્ગે માસ સી.એલ. ભરી કામથી અળગા રહેવાનુ જણાવાયું છે.
આ સંદર્ભે યુનિયનમા સામેલ મીનાબેન પંચાલ જણાવ્યું કે, ખેડા જિલ્લામાં આશા-ફેસીલીએટર 1700 બહેનો છે. જે તમામે આજે જૂની જિલ્લા પંચાયતે ભેગા થયા હતા. ત્યારબાદ ત્યાંથી રેલી યોજી હતી અને કલેકટર કચેરીએ આવી રજૂઆત કરી છે. આવતીકાલે પણ અમે માસ સી.એલ.ઉપર છીએ પણ અમે અમારા વર્કિંગ હોર્સમા જૂની જિલ્લા પંચાયતના પટેલહોલમાં ફક્ત ભેગા થઇશુ અને દેખાવો કરીશુ તેવી હૈયાવરાળ ઠાલવી હતી.