તાઇવાનના પાટનગર તાઇપેમાં આયોજિત ‘સંરક્ષણ મંત્રણા’માં ભારતના ૩ પૂર્વ સેનાધિકારીઓને પણ આમંત્રણ મળતા તેઓ તાઇપે પહોંચી ગયા છે. આથી ડ્રેગન આગ બબૂલ બની રહ્યો છે તેણે કહ્યું છે કે, આ દ્વારાભારતે ‘એક-ચીન’ સિદ્ધાંતોનો ભંગ કર્યો છે. પરંતુ ભારતે તે આક્ષેપને નકારી કાઢ્યો છેે.
બીજી તરફ નિરીક્ષકો કહે છે કે, ભારત એક સંપૂર્ણત: લોકશાહી છે તેથી તે કોઈને પણ ક્યાંય પણ જતા રોકી શકે નહીં. વળી તેઓને તાઇપે તરફથી અંગત સ્તરે આમંત્રણ અપાયું છે. સત્તાવાર રીતે તેઓ ગયા નથી.
પ્રાપ્ય માહિતી પ્રમાણે ભારતીય નૌકાદળના પૂર્વ વડા એડમિરલ કરમવીર સિંહ, ભૂમિદળના પૂર્વ વડા જનરલ એમ.એન. નરવલે અને પૂર્વ એરચીફ માર્શલ આરકેએમ ભદૌરિયા તાઇવાનમાં આયોજિત ‘કેટો ગ્રેમાન ફોરમ’ના ૨૦૨૩ના હિન્દ પ્રશાંત સંરક્ષણ ચર્ચામાં હાજર રહ્યા હતા અને મહત્ત્વના સૂચનો પણ કર્યા હતા. આ અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘ચીન સાથે રાજદ્વારી સંબંધો રાખનારા દેશોના અને તાઇવાનના અધિકારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારની સત્તાવાર મંત્રણાનો અમે વિરોધ કરીએ છીએ અમારી તે ઇચ્છા છે કે કોઈ પણ દેશના અધિકારીઓ દ્વારા તાઇવાન જેવા મુદ્દાઓને યોગ્ય રીતે સંભાળશે.’ ચીનની આ ટીકાનો જવાબ તે જ હોઈ શકે કે ભારત એક લોકશાહી દેશ હોવાથી તે કોઈને પણ ક્યાંયે જતા રોકી શકે તેમ નિરીક્ષકો સ્પષ્ટ રીતે કહે છે કે, આ સાથે અમેરિકાના ‘હાઉસ ઑફ રેપ્રેઝન્ટેટીવ્સ’ (નીચલા ગૃહ- લોકસભા)ના તે સમયના અધ્યક્ષ પેલોસીએ પણ તાઇવાનની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તે સમયે પણ ચીને અમેરિકા સામે વિરોધ નોંધાવ્યો ત્યારે બાયડન વહીવટી તંત્રએ કહ્યું હતું કે, ‘અમેરિકા એક લોકશાહી દેશ છે તે તેના નાગરિકોને કોઈપણ દેશની અંગત મુલાકાત લેતા રોકી ન શકે.’
નિરીક્ષકો વધુમાં કહે છે કે, ભલે પેલોસીની મુલાકાત ‘અંગત’ હોય પરંતુ તેમાં તાઇવાનના સંરક્ષણ અને ઇન્ડો- પેસિફીક જેવા મુદ્દાઓ ચર્ચાયા જ હોય. જો તેઓએ વહીવટી તંત્રને જણાવ્યું જ હોય ચીન આ બધું જાણે જ છે. તે જાણે છે કે અધિકારીઓ ભારત સરકારને પણ તાઇવાનમાં થયેલી ચર્ચાથી માહિતગાર કરશે જ આથી ડ્રેગન ફૂંફાડા મારે છે પરંતુ તે ફૂંફાડા નિરર્થક છે. ભારત સરકારને તે પરિષદની કાર્યવાહીથી અધિકારીઓ માહિતગાર કરશે જ તે સૌ સમજે છે.