હરણી તળાવ પિકનિક માટે આવેલા નિર્દોષ વિદ્યાર્થીઓ હોડીમાં સફર માટે બેઠા હતા ત્યારે જ તેમની હોડી પલટી ગઈ હતી. બાળકો અને શિક્ષકોને પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ આપવામાં આવ્યા નહોતા આથી વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના એટલા માટે પણ થઈ કારણ કે આ બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા. બોટની ક્ષમતા 16 લોકોની હતી જ્યારે તેમાં 30થી વધુ લોકો બેઠા હતા. આ ઘટના બનતા જ લોકોને અગાઉ બનેલી આવી જ એક ઘટના યાદ આવી હતી જેમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ 1993માં પણ આવી જ ઘટના બની હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અને 17 વર્ષના સંઘર્ષ બાદ પીડિતોને વળતર આપવામાં આવ્યું.
૩૦ વર્ષ પહેલા વડોદરામાં બનેલી બોટ પલટી જવાની દુર્ઘટનામાંથી બોધપાઠ નહી લેતા વડોદરામાં ફરીથી બોટ પલટી જવાની દુર્ઘટના બની છે. ૩૦ વર્ષ પહેલાની દુર્ઘટના સૂરસાગરમાં બની હતી જેમાં ૨૨ સહેલાણીઓના મોત થયા હતા.
1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી હતી. તે સમયે બોટની ક્ષમતા 20 લોકોની હતી, જેમાં 38 લોકો સવાર હતા. સુરસાગર તળાવમાં ક્ષમતા કરતા વધુ લોકોને લઈને બોટ પલટી ગઈ હતી. ત્યારે આ દુર્ઘટનામાં 17 પરિવારના 22 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને 1.39 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે આ મૃતકોને ન્યાય મળ્યો કે નહીં એ તો પ્રશ્ન છે જ પરંતુ તેઓને વળતર પણ 17 વર્ષની જહેમત બાદ મળ્યું હતું. તંત્રને આ રકમ વ્યાજ સહિત મૃતકના પરિવારને વળતર તરીકે આપવાનો આદેશ કરાયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ વળતર આપ્યું હતું.
૧૧ ઓગસ્ટ ૧૯૯૩ના રોજ સૂરસાગરમાં લોકો બોટિંગ કરી રહ્યા હતા દરમિયાન વધુ પડતા સહેલાણીઓને એક બોટમાં ભરી દેવામા આવતા બોટ પલટી મારી ગઇ હતી. બોટમાં ૩૮ સહેલાણીઓ ભરી દેવાયા હતા તમામ પાણીમાં ડૂબ્યા હતા જેમાંથી ૧૬ને બચાવી લેવાયા હતા જ્યારે ૨૨ જણના મૃત્યુ થયા હતા.
CM અને ગૃહમંત્રી વડોદરા પહોંચ્યા
જાગ્રુક સિટીઝન્સ ઓર્ગેનાઈઝેશન (વડોદરા)ના પુરુષોત્તમ મુરજાનીએ પીડિત પરિવારોને ન્યાય અને વળતર આપવા માટે સખત લડત આપી હતી. તેમણે જિલ્લા ગ્રાહક આયોગ, રાજ્ય ગ્રાહક આયોગ અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક આયોગ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોર્પોરેશને પીડિતોને વળતર આપ્યું હતું.