ત્રિપુરામાં એચઆઈવીથી 47 વિદ્યાર્થીઓના મોત થયા છે અને અત્યાર સુધીમાં અહીં 828 વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝિટિવ છે. આ માહિતી ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS)ના અધિકારીએ આપી હતી. તેમણે જાણાવ્યું હતું કે, ‘828 એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી 572 હજુ જીવિત છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ત્રિપુરાની બહાર ગયા છે.
HIVના પાંચથી સાત નવા કેસ નોંધાઈ રહ્યા છે
ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની તપાસ કરી હતી, જેઓ ડ્રગ્સનું ઈન્જેક્શન લેતા હતા. તાજેતરના ડેટા દર્શાવે છે કે દરરોજ HIVના લગભગ પાંચથી સાત નવા કેસ નોંધાઈ રહ્યા છે.
એચઆઈવીથી પીડિતોની કુલ સંખ્યા 5,674
ત્રિપુરામાં સક્રિય કેસની કુલ સંખ્યા પર TSACS અધિકારીએ જણાવ્યું હતું કે,’મે 2024 સુધીમાં, અમે એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ART) કેન્દ્રોમાં 8,729 લોકોની નોંધણી કરી છે. HIV સાથે જીવતા લોકોની કુલ સંખ્યા 5,674 છે. તેમાંથી 4,570 પુરુષો છે, જ્યારે 1,103 મહિલાઓ છે. આ દર્દીઓમાંથી માત્ર એક જ ટ્રાન્સજેન્ડર છે.’ નોંધનીય છે કે, યુવાનોમાં એચઆઈવીના કેસ વધવાનું કારણ ડ્રગ્સ છે. મોટા ભાગના કિસ્સાઓમાં સમૃદ્ધ પરિવારોના બાળકો એચઆઈવીથી સંક્રમિત જોવા મળે છે. એવા પરિવારો પણ છે જ્યાં માતા-પિતા બંને સરકારી નોકરીમાં છે.