સવારનો નાસ્તો એ દિવસના સૌથી મહત્વપૂર્ણ ભોજનમાંનું એક છે. તે આપણા શરીરને માત્ર એનર્જી જ પ્રદાન કરતું નથી પરંતુ આખા દિવસ માટે જરૂરી પોષક તત્વોની ઉણપને પણ અટકાવે છે. પરંતુ આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે ઘણા લોકો નાસ્તો મોડો કરે છે અથવા તો તેને છોડી દે છે. આ આદત લાંબા ગાળે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ કહે છે કે યોગ્ય સમયે નાસ્તો ન કરવાથી શરીરમાં ઉર્જાનો અભાવ લાગે છે. જેનાથી થાક, નબળાઈ અને કાર્યક્ષમતા ઓછી થાય છે. વધુમાં તે ચયાપચયને ધીમું કરે છે.
મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે : સવારે ઉઠ્યા પછી શરીરને એનર્જીની જરૂર પડે છે. નાસ્તો ન કરવાથી અથવા મોડા ખાવાથી શરીરને એનર્જી નથી મળતી જેનાથી મેટાબોલિઝમ ધીમી પડી શકે છે. આ સિવાય કેલરી બર્ન કરવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. જેના કારણે ચરબી જમા થવા લાગે છે.
બ્લડ સુગર લેવલમાં વધઘટ : સવારે મોડો નાસ્તો કરવાથી બ્લડ સુગર લેવલ અસંતુલિત થઈ શકે છે. જ્યારે આપણે મોડા નાસ્તો કરીએ છીએ, ત્યારે શરીર લાંબા સમય સુધી ખોરાક વિના રહે છે. જેના કારણે બ્લડ સુગર ઘટવા લાગે છે. આ પછી જ્યારે આપણે અચાનક વધુ ખાવાનું શરૂ કરીએ છીએ ત્યારે બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. બ્લડ સુગરમાં વારંવાર વધઘટ થવાથી ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ શકે છે.
ખરાબ ડાઈજેશન : જો તમે મોડા નાસ્તો કરો છો તો લંચ પણ મોડું થાય છે. તેનાથી વધારે ખાવાની સમસ્યા થઈ શકે છે. વારંવાર ખાવાથી વજન વધવાની સાથે પેટમાં ભારેપણું અને અપચો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
હોર્મોનલ અસંતુલન : નાસ્તો મોડો કરવાથી શરીરમાં ભૂખ સંબંધિત હોર્મોન્સનું લેવલ વધે છે. જો તમે આ આદતને લાંબા સમય સુધી ફોલો કરો છો તો તેનાથી હોર્મોનલ અસંતુલન થઈ શકે છે. આ કારણે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે.
માનસિક અને શારીરિક થાક : સવારનો નાસ્તો માનસિક અને શારીરિક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. જો તમે નાસ્તો મોડો કરો છો તો દિવસની શરૂઆતમાં શરીર અને મગજને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેના કારણે તમે માનસિક થાક, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા અને શારીરિક નબળાઈ અનુભવી શકો છો.