સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાઇકલ આપવામાં આવતી હોય છે પરંતુ ખેડા નજીક આવેલા વિઠ્ઠલપુરા પાસેના ખાનગી ફાર્મ હાઉસમાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ની ૫,૫૦૦ જેટલી સાઈકલો ખુલ્લામાં કાટ ખાઈ રહી છે. વર્ષ ૨૦૨૪નો શાળા પ્રવેશોત્સવ પણ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ગત વર્ષની આ સાઇકલોનું વિતરણ ન કરાયુ હોવાના તર્ક વિતર્ક સાથે અનેક ચર્ચાઓ ઉભી વહેતી થઇ છે. બે દિવસ પહેલા મહુધા તાલુકાના ભુમસ ગામે આવેલી ખુલ્લી જગ્યામાં તેમજ ઠાસરા તાલુકામાં વણોતી ગામની શાળાના ઓરડામાં કાટ ખાઈ રહેલી સાયકલો મળી આવી હતી. જ્યારે હવે ખેડા તાલુકાના વિઠ્ઠલપુરા પાસે આવેલા ફાર્મ હાઉસમાં સાઈકલો મળી આવતા સરકારી કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ ફાર્મ હાઉસમાં અંદાજે ૫,૫૦૦ જેટલી સાઈકલો કાટખવાઈ રહી છે. શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩માં આ સાઈકલ વિદ્યાર્થીઓને આપવાની હતી. પરંતુ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી. ૨૦૨૪નો શાળા પ્રવેશોત્સવ પણ પૂર્ણ થઈ ગયો હોવા છતાં કયા કારણોસર આ સાઈકલો હાલમાં ધૂળ ખાઈ રહી છે તે તપાસનો વિષય છે. હાલમાં વરસાદના કારણે ખુલ્લામાં પડેલી સાઈકલોના ટાયરો માટીમાં દબાઈ જવાથી કાટ ખવાઈ ગયા છે. આ સાઇકલો ક્યારે વિદ્યાર્થીનીઓને મળશે તે ચર્ચાનો વિષય બન્યો છે.