લોકસભા ચુંટણી બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા ઉઠી છે, પક્ષમાં પાટીલના અનુગામી કોણ એ ચર્ચાએ તો જોર પકડ્યું જ છે સાથો-સાથ રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતા છે.
તેવામાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પક્ષના વરિષ્ઠ અને સંગઠનના અનુભવી નેતાની પસંદગી થાય તો હાલ પ્રદેશ અધ્યક્ષમાં મુખ્ય ૬ જેટલા નામ ચર્ચામાં છે. આ નામમાં દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે.
જો દેવુસિંહ ચૌહાણની વાત કરીએ તો તેઓ જિલ્લા સંગઠનમાં કામગીરીનો તો અનુભવ ધરાવે જ છે, ખેડાથી સતત ત્રીજીવાર સાંસદ તરીકે તેઓ ચૂંટાયા છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામગીરીનો તેમનો અનુભવ છે અને મધ્યગુજરાતના રાજકારણમાં વર્ચસ્વ હોવાની સાથે-સાથે ક્ષત્રિય રાજપૂત સમાજનો પણ અગ્રણી ચહેરો છે.