ખેડા જિલ્લામાં ગતમધરાત બાદ ખાબકેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ધોધમાર વરસાદના પગલે નડિયાદમાં શ્રેયસ રેલવે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાતા પસાર થતી કાર એકાએક ફસાઈ ગયેલ. જો કે નડિયાદ ફાયરબ્રિગેડના જવાનોને જાણ કરાતાં મદદે આવી આ કાર અને કારમાં ફસાયેલા વ્યક્તિને મહામુસીબતથી બહાર કાઢ્યો હતો.
નડિયાદમાં 6 કલાકના સમયગાળામાં જ પોણ ચાર ઈંચ વરસાદ તો મહેમદાવાદમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.. જ્યારે રાતનો સમય હોવાથી કોઈ જાનહાનિના બનાવો નોધાયા નથી. પરંતુ વરસાદના કારણે ઝાડ ધરાશાયી તેમજ ડાળીઓ તૂટી પડવાના બનાવો બન્યા છે.
નડિયાદમાં ગતરાત્રીના ભારે વરસાદના કારણે શ્રેયસ રેલવે અંડરબ્રીજમાં એક કાર ફસાઈ પડી હતી. કારમાં ચાર વ્યક્તિઓ સવાર હતા. આ પૈકી એક વ્યક્તિ તો કારમાં ફસાયો હતો. કાર ફસાઈ હોવાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડ થતાં જ નડીયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દોરડાની મદદથી પાણીમાં ફસાયેલી કાર અને કારમાં સવાર વ્યક્તિને રેસ્ક્યુ કરી પાણીમાંથી ઉગારી લીધા છે. કારમાં ફસાયેલા વ્યક્તિ કારની છત પર ચઢી મદદ માંગી હતી.
ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર દોડી આવી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)