ગોધરા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની (J P Nadda) અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સફળતાના 9 વર્ષની ઉજવણીના ભાગરૂપે જનસભા યોજાઇ હતી.
વીરભૂમિ ગુજરાતના પંચમહાલ લોકસભા ક્ષેત્રમાં આયોજિત જનસભામાં ઉપસ્થિત નાગરિકોનો ઉત્સાહ ભાજપ સરકારના ઐતિહાસિક વિકાસકાર્યોનું પ્રતિબિંબ છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સફળ નેતૃત્વ હેઠળ છેલ્લાં 9 વર્ષ લોકો માટે સમૃદ્ધિના રહ્યાં છે. લાંબા સમય સુધી વિપક્ષની સરકારો 'ગરીબી… pic.twitter.com/BpruVlkWuT
— Jagat Prakash Nadda (@JPNadda) July 10, 2023
ભાજપે દેશના દરેક વર્ગના લોકોના હિતમાં કામ કર્યું છે
આ જાહેરસભાને સંબોધતા જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, ગરીબી દુર કરવાના બહાને લાંબા સમય સુધી કોંગ્રેસે રાજકીય રોટલા શેક્યા અને ગરીબોને લૂંટ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 વર્ષ દરમિયાન સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસના મંત્રને પરિપૂર્ણ કરી દેશના દરેક વર્ગના લોકોના હિતમાં કામ કર્યું છે.
કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છેઃ જે પી નડ્ડા
આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે. 9 વર્ષ પહેલા મોબાઇલ વિદેશથી આવતા હતા, પરંતુ મોદી સરકારમાં 97 ટકા મોબાઇલના પાર્ટ ભારત બનાવે છે, સ્ટીલના પાર્ટ બનાવવામાં ભારત બીજા નંબર પર છે. ભારતે જાપાનને પછાડી ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ત્રીજા નંબરનું માર્કેટ બન્યું છે.
ભાજપ સિવાય અન્ય પાર્ટીઓ પરિવારના વિકાસ માટે કામ કરી રહી છેઃ જે પી નડ્ડા
આ ઉપરાંત જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે આજે ગુજરાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું એક માત્ર ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર બની રહ્યુ છે, એશિયાનું પહેલો સોલર પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો છે. તો વડાપ્રધાન મોદી દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે, તો બીજી રાજકીય પાર્ટીઓ પરિવારના વિકાસ માટે કામ કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદ રતનસિંહ રાઠોડ, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે દેશના ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો અને દેશની શરહદો સુરક્ષીત કરી છે.