નર્મદા જિલ્લાના રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ગુજરાતના આદીવાસી જિલ્લાઓના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની UCC (યુનિફોર્મ સિવિલ કોડ) ના અમલીકરણ મુદ્દે મહત્વની બેઠક મળી હતી.આ બેઠકમા ઉપસ્થિત આમ આદમી પાર્ટીના તમામ ઉપસ્થિત આગેવાનોએ UCC નો વિરોધ કર્યો હતો, અને એવી ચિમકી ઉચ્ચારી હતી કે જો સરકાર UCC લાગુ કરશે તો ભાજપને આવનારી વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં પરીણામ ભોગવવા તૈયાર રેહવુ પડશે.તો બીજી ગુજરાતના વિવિધ આદીવાસી વિસ્તાર માંથી આવેલા આદીવાસી આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે UCC લાગુ કરી ભાજપ સરકાર આદિવાસી વિસ્તારને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહી છે.
UCC આદિવાસી સમાજ માટે ભયંકર નુકશાન કારક છે, એનાથી અનામત બેઠકો ખતમ થવાની સંભાવના છે અને પેસા એક્ટ તથા અનુસૂચિ 5 અને 6 અનુસૂચિ નાબૂદ થઈ જશે.આ કાયદો ફકત અને ફકત SC, ST અને OBC ના બંધારણ પર તરાપ મારવા માટેનો છે.આદીવાસીઓના લાભો ખતમ થવો જોઈએ એવું ભાજપ ઈચ્છે છે.જે લોકો લોકશાહીને સમર્થન કરે છે એ લોકો UCC નો વિરોધ કરે છે.આદિવાસીઓમાં એકતા નથી એટલે ભાજપ એનો દુરુપયોગ કરે છે.એક નહિ થાવ તો આપણી કોઈ પણ લડતનો પડઘો નહિ પડે..
જ્યારે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સુરમાં સુર પુરાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમે આદિવાસી સમાજ સાથે છીએ.2024 ની લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે મુસ્લીમ સમાજને ટાર્ગેટ કરવા ભાજપ સરકારે UCC ને અમલીકરણ કરવાનું નક્કી કર્યું હતું.પરંતુ આ મુદ્દે હવે ભાજપ સરકાર ઘેરાઈ ગઈ છે. આ કાયદાથી આદિવાસીઓને મોટુ નુકશાન થવાનું છે, એટલે આવનાર દિવસોમાં જો ભાજપ સરકાર UCC કોડ લાગુ કરશે તો દેશની કુલ આદિવાસી આરક્ષણ ધરાવતી 62 બેઠકો અને દેશની વિધાનસભાની 400 થી વધુ બેઠકો પર ભાજપે વેઠવું પડશે.
હાલ અમે અમારા આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને ઉભા રહીશું પરંતુ જો અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ UCC નો ડ્રાફ્ટ તૈયાર થયા પછી UCC ને સમર્થન કરશે તો અમે અમારા આદિવાસી સમાજ માટે હું આમ આદમી પાર્ટી માંથી રાજીનામુ પણ આપીશ અને અમારા સમાજ માટે સાથે ઉભા રહીશું.
રિપોર્ટ- શૈશવ રાવ (રાજપીપળા)