આજકાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યુ છે. આજે ઘણા બધા રોજીંદા કામ સ્માર્ટ ફોન (Smart Phone) દ્વારા ઓનલાઈન કરી શકાય છે. આ સાથે જ ઓનલાઈન ફ્રોડના (Online Fraud) કેસ પણ વધી રહ્યા છે. ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઈમનો પણ ખતરો રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં વધી રહી છે. દરરોજ એવા ઘણા સાયબર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે સૌ કોઈ જાણે છે.
સાયબર ક્રાઈમનો શિકાર બનો તો કેવી રીતે બચી શકાય
શું તમે જાણો છો કે અજાણતા જો તમે સાયબર ક્રાઈમનો શિકાર બનશો તો તમે કેવી રીતે બચી શકશો? તમારામાંથી મોટાભાગના લોકો આ વિશે જાણતા નથી. આજે આપણે જાણીશું કે, આ પ્રકારની ઘટના જો તમારા સાથે બને છે તો કોઈ જગ્યાએ ભટકવા કરતા તમે યોગ્ય જગ્યાએ ફરિયાદ કરો તે વધુ સારું છે, જેથી તમને મદદ મળી શકે.
ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરો
આ માટે સૌથી પહેલા ઓનલાઈન નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર જાઓ. આ પ્લેટફોર્મ પર તમે સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ કરી શકો છો. આ પોર્ટલ પર હેકિંગ કેસ, ઓનલાઈન સ્કેમ, ઓળખ કાર્ડની ચોરીના કેસ અને સાયબર ધમકી જેવા ઘણા સાયબર ક્રાઈમ કેસની જાણ કરી શકાય છે.
ઓનલાઇન ફરિયાદની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવી
ઓનલાઈન પોર્ટલ ઉપરાંત તમે જે વિસ્તારમાં રહો છે તે વિસ્તારમાં આવેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી શકો છો. આ પ્રકારની ઘટના અંગેની જાણ પોલીસને કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી સાથે આવો કોઈ કેસ બને છે, તો ઓનલાઇન ફરિયાદની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ તેની જાણ કરવી જરૂરી છે.
હેલ્પલાઇન નંબર પર કોલ કરી ફરિયાદ કરી શકો
હેલ્પલાઇન નંબર વિશે વાત કરીએ તો, 1930 એ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર છે, તે સાયબર ક્રાઇમ કેસોની ફરિયાદ કરવા માટેનો નંબર છે. આ હેલ્પલાઇન નંબર તમારી મદદ માટે 24×7 ઉપલબ્ધ રહે છે.