તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તાલિબાને દેશમાં સત્તા આંચકી લીધી બાદ દુનિયાના એવા ગણતરીના દેશો હતા જેમણે તાલિબાન સાથે રાજદ્વારી સબંધો ચાલુ રાખ્યા હતા અને તેમાં ચીનનો પણ સમાવેશ થતો હતો.
ચીનના આ પગલાથી પાકિસ્તાનને આંચકો લાગ્યો હશે. પાકિસ્તાનના પત્રકાર કામરાન યુસુફનુ કહેવુ છે કે, ચીન દ્વારા રાજદૂતની નિમણૂંક સંકેત આપી રહી છે કે, અફઘાનિસ્તાનના મામલે ચીનનો પાકિસ્તાન પરનો ભરોસો ઓછો થઈ રહયો છે. પહેલા અફઘાનિસ્તાન મામલે તાલિબાન સાથે ચીન કોઈ પણ ડિલ વાયા પાકિસ્તાન કરતુ હતુ. ચીનના તાલિબાન સાથેના સંપર્કો સ્થાપિત કરવામાં પાકિસ્તાનની ભૂમિકા મહત્વની હતી. જોકે હવે જ્યારે પાકિસ્તાન અને તાલિબાનના સબંધો ખરાબ થઈ રહ્યા છે ત્યારે ચીન પોતાની જાતે અફઘાનિસ્તાન અંગેના નિર્ણયો લઈ રહ્યુ છે.
જાણકારોનુ માનવુ છે કે, ચીન પોતાની સીપેક યોજનાને કાબુલ સુધઈ લઈ જવા માંગે છે. અફઘાનિસ્તાનના કુદરતી સંસાધનો પર ચીનનો ડોળો છે. ખાસ કરીને અહીંયા લિથિયમનો ભંડાર હોવાનુ બહાર આવ્યા બાદ ચીન તેના પર નરજર રાખીને બેઠુ છે. ચીન અફઘાનિસ્તાનમાં ક્રુડ ઓઈલની પણ શોધ ચલાવી રહ્યુ છે.
ચીને રાજદૂતની નિમણૂંક એવા સમયે કરી છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર પર ટકરાવ ચાલી રહ્યો છે. ટીટીપી દ્વારા પાકિસ્તાન પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તાલિબાનના સમર્થનથી ટીટીપીના આતંકી પાકિસ્તાની સીમામાં ઘૂસી રહ્યા છે . બીજી તરફ તાલિબાનના શાસકો પાકિસ્તાન સાથે નમતુ જોખવા માટે તૈયાર નથી.