મધ્યપ્રદેશમાં આવનારા સમયમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે જે પહેલા શિવરાજ સિંહ ચૌહાણ સરકારે મહિલાઓને લઈ એક મોટો નિર્ણય લીધો છે. હવે મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે 35 ટકા સરકારી નોકરીઓમાં અનામત રહેશે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ વહીવટ વિભાગે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નિર્ણય બાદ હવે મહિલાઓને સીધી ભરતીમાં 35 ટકા અનામત મળશે.
વન વિભાગ સિવાય તમામ વિભાગોમાં લાગુ પડશે આ જોગવાઈ
આ માટે મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ (મહિલાઓની નિમણૂક માટે વિશેષ જોગવાઈઓ) નિયમો 1997માં સુધારો કરવામાં આવ્યો છે. વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં 35% અનામતની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
આગામી ચૂંટણી માટે આ નિર્ણય મહત્વપૂર્ણ
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. રાજ્યની ભાજપ સરકાર મહિલાઓ માટે વિવિધ જાહેરાતો કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ તેના ઢંઢેરામાં મહિલાઓને મહત્ત્વનું સ્થાન આપી રહી છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ, તો રાજ્યમાં કુલ 2.6 કરોડથી વધુ મહિલા મતદાતાઓ છે અને બંને પક્ષો આ વોટબેંકને જીતવા માટે સખત પ્રયાસ કરી રહી છે.