કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લંડનમાં ભારતીય હાઇ કમિશન બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ખાલિસ્તાની નેતા દલ ખાલસાના ગુરચરણસિંઘે તિરંગાને સળગાવ્યો હતો. બાદમાં તેના પર ગૌમુત્ર નાખ્યું હતું. બીજી ઓક્ટોબરના રોજ આ ધરણા પ્રદર્શન થયા હતા. જોકે બ્રિટન પોલીસે પ્રદર્શનકારીઓને એક સ્થળ પર જ અટકાવી દીધા હતા અને આગળ નહોતા વધવા દીધા. આ દરમિયાન ભારત વિરોધી સુત્રોચ્ચાર પણ થયા હતા.
આ ધરણા પ્રદર્શનમાં એનઆઇએની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ પરમજીતસિંઘ પમ્મા પણ હાજર રહ્યો હતો. જે ખાલિસ્તાન ટાઇગર ફોર્સ સાથે સંકળાયેલો છે. કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઇને પરમજીત પમ્મા ભારત વિરોધી નિવેદનો આપતો રહ્યો છે. એક દિવસ અગાઉ જ સ્કોટલેન્ડના ગ્લાસગો સ્થિત ગુરૂદ્વારામાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીને ખાલિસ્તાનીઓ દ્વારા પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. હાલ કેનેડા, બ્રિટન જેવા દેશોમાં ખાલિસ્તાનીઓ વધુ સક્રિય થઇ ગયા છે. ે ભારતીય એજન્સીઓ દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજવા જઇ રહી છે. ગુરૂવારથી શરૂ થનારી આ બેઠકમાં ખાલિસ્તાનીઓ, આતંકીઓ વગેરેના સફાયા માટે પ્લાન તૈયાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ઉચ્ચસ્તરીય બેઠકમાં રો, આઇબી, એનઆઇએ સહિતની એજન્સીઓના અધિકારીઓ જોડાય તેવી શક્યતાઓ છે. જોકે આ અંગે કોઇ જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી. બીજી તરફ કેનેડાએ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો. એવામાં હાલ અમેરિકા કેનેડા અને ભારત વચ્ચેના વિવાદને વધુ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાના વ્હાઇટ હાઉસે કહ્યું છે કે નિજ્જરની હત્યા મુદ્દે કેનેડા દ્વારા ભારત પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે અત્યંત ગંભીર છે અને તેની તપાસ થવી જોઇએ. બીજી તરફ હિમાચલમાં આવેલી ધર્મશાળામાં દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદના સુત્રો લખાયેલા જોવા મળ્યા હતા.
જે મામલે પોલીસ દ્વારા કેસ દાખલ કરાયો છે અને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.