વારાણસીમાં જ્ઞાનવાપી વિવાદિત ઢાંચાના પરિસરમાં ASI દ્વારા સરવે ચાલી રહ્યો છે. આ પહેલાં 6 ઓક્ટોબર 2023ના રોજ ASIને રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ સંસ્થાએ વધારાનો સમય માંગતી અરજી કરી હતી. વારાણસી જિલ્લા કોર્ટે આ અરજી સ્વીકારીને ASIને સરવે માટે વધુ ચાર સપ્તાહનો સમય આપ્યો છે. બીજી તરફ ન્યાયાલય દ્વારા સમયમર્યાદા વધારવામાં આવતાં હિંદુ પક્ષકારોએ સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે સરવેના આધારે મળી રહેલા પ્રમાણોની વ્યવસ્થિત તપાસ માટે સમયમર્યાદા વધારવી જરૂરી હતી.
વારાણસી જિલ્લા ન્યાયાલયે ASIને સરવે માટે વધુ ચાર સપ્તાહનો સમય આપ્યા બાદ હિંદુ પક્ષના વકીલ સુભાષ ચંદન ચતુર્વેદીએ મીડિયાને આ બાબતની જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે, “ASIએ 6 તારીખે વારાણસી જિલ્લા ન્યાયાલયમાં રિપોર્ટ સોંપવાનો હતો. સરવેનું કાર્ય હજુ પૂર્ણ નથી થયું, તેવામાં ગત 4 ઓક્ટોબર 2023ના રોજ ASIએ એક પ્રાર્થનાપત્ર લખીને ન્યાયાલય પાસે વધારાના 4 સપ્તાહનો સમય માંગ્યો હતો. જે બાદ વારાણસી કોર્ટે ASIને 28 દિવસ એટલે કે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.” ઉલ્લેખનીય છે કે ભારત સરકાર તરફથી સ્ટેન્ડિંગ કાઉન્સિલ અમિત કુમાર શ્રીવાસ્તવ દ્વારા વધારાનો સમય માંગતી અરજી આપવામાં આવી હતી.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરવે માટે હજુ ઘણું કામ બાકી છે. વરસાદ અને અન્ય કારણોસર સરવે કરવામાં અડચણો ઉભી થવાના કારણે કામ અધૂરું છે. તે કારણે જ સરવેના સમયને વધારવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે સમયમર્યાદા વધવાના કારણે ASIને અધૂરું કાર્ય પૂર્ણ કરવામાં મદદ મળશે.
બીજી વાર વધારવામાં આવ્યો સરવેનો સમય
ઉલ્લેખનીય છે કે વારાણસીની જિલ્લા કોર્ટે આ પહેલાં 8 સપ્ટેમ્બર, 2023ના રોજ જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સરવેને પૂરો કરવા અને પોતાનો રિપોર્ટ સોંપવા માટે ASIને વધુ ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. સરવે દરમિયાન ઘણી જગ્યાઓ પર કચરો, માટી અને તૂટેલી ઇમારતનો કાટમાળ, જેમ કે ઈંટો, પત્થરોના ટુકડાઓ વેગેરે મળી આવ્યા હતા. આ બધી વસ્તુઓ પરિસરના ફર્શ પર અને ભોંયરામાં મળી આવી હતી. એ સિવાય પણ ઇમારતની ચારે તરફ કાટમાળ અને માટીનો ઢગલો હતો.
આ પ્રકારના કચરા અને કાટમાળના લીધે ઇમારતની વાસ્તવિક સંરચના તપાસવામાં અડચણ ઉભી થતી હતી. આ બધી બાબતોને લઈને પરિસરમાં સફાઈનું કામ ચાલી રહ્યું હતું, જેથી ઇમારતની વૈજ્ઞાનિક પક્રિયાથી યોગ્ય તપાસ થઈ શકે. આ તમામ બાબતોને ધ્યાને લઈને ASIની ટીમે 2 સપ્ટેમ્બરના રોજ ન્યાયાલય પાસેથી સરવે માટે 8 સપ્તાહના વધુ સમયની માંગણી કરતો પ્રાથનાપત્ર રજૂ કર્યો હતો. શુક્રવાર (8 સપ્ટેમ્બર)ના રોજ વારાણસી જિલ્લા કોર્ટે ASIની ટીમ દ્વારા આપવામાં આવેલા પ્રાથનાપત્ર પર સુનાવણી કરી હતી અને વૈજ્ઞાનિક સરવેને પૂરો કરવા માટે કોર્ટે ASIની ટીમના પ્રાથનાપત્રને માન્ય ગણ્યો હતો અને ચાર સપ્તાહનો વધુ સમય આપ્યો હતો.