નવલી નોરતાની રાત એવા નવરાત્રી પર્વ ચાલી રહ્યા છે. આ પર્વ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે. માતાના ગરબા ના તાલે નાચતા હોય છે. જે નવરાત્રી પર્વનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષે બદલાયો છે. કારણ કે જે નવરાત્રી પહેલા શેરી ગરબા સ્વરૂપે લોકો ઉજવણી કરતા હતા તે હવે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં સાઉન્ડ સિસ્ટમ સાથે મનાવાઇ રહી છે. પરંતુ હજુ પણ કેટલાક સ્થળો એવા છે કે જ્યાં શેરી ગરબા ની પરંપરા યથાવત છે.
આ પરંપરાને અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ ભંડેરી પોળના રહીશોએ સાચવી રાખી છે. જેઓ શેરી ગરબા કરીને નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. સાથે જ છેલ્લા 30 વર્ષથી તેઓ માતાજીની મૂર્તિ શુદ્ધ ઘી માંથી બનાવીને નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. જે મૂર્તિ છેલ્લા 30 વર્ષથી પોળ અને પોળના બહારના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ બની છે.
150 કિલો ઘીનો ઉપયોગ
ભંડેરી પોળમાં આવેલ વારાહી માતાનું મંદિર શ્રદ્ધાળુઓની આશાનુ સ્થાનક રહ્યુ છે. અહીં મંદિરમાં આવનાર તમામ ભક્તોની માનતા માતા પૂર્ણ થતી હોવાની માન્યતા છે. લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ હોય કે સંતાન પ્રાપ્તિ ઈચ્છુક દંપતી હોય તે તમામ લોકો શીશ નમાવે છે અને અને તેમની મનોકામના પૂરી થાય.મંદિર પાસે ભંડેરીની પોળના વારાહી મિત્ર મંડળના લોકો નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. જ્યાં દર વર્ષે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.
વારાહી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ઘીની મૂર્તિ બનાવીને ગરબાની માંડવળીમાં મુકવાાં આવે છે. મૂર્તિ લોકો માટે તો આકર્ષણનું કેન્દ્ર બની છે. દર વર્ષે બનાવવામાં આવતી મૂર્તિમાં વજનમાં વધારો કરવામાં આવે છે. આ વર્ષે વારાહી મિત્ર મંડળ દ્વારા જે ગત વર્ષે ચામુંડા માતાની મૂર્તિ બનાવવામાં આવતી હતી, તેના સ્થાને આ વર્ષે ઉમિયા માતાજીની મૂર્તિ બનાવાઈ છે. આણંદના સ્પેશિયલ કારીગર દ્વારા ત્રણ દિવસમાં 150 કિલોથી વધારે ઘીનો ઉપયોગ કરીને આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જે
મૂર્તિ સાચવવા બરફનો ઉપયોગ
શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવેલ મૂર્તિને સાચવવા માટે દરરોજ 600 કિલો જેટલો બરફનો ઉપયોગ કરાય છે. સાથે જ મૂર્તિ પર ઠંડા પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે. જેથી કરીને ઘીની મૂર્તિ ઓગળે નહીં. મૂર્તિ બન્યા બાદ તેનો ઉઠાવ આવે તેના માટે મૂર્તિ પર વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી કલરનો ઉપયોગ કરી તેને શણગારવામાં પણ આવી છે.
જે મૂર્તિ નવરાત્રી પર્વ શરૂ થયેથી પૂનમ સુધી આ મૂર્તિના દર્શન માટે ખુલ્લી રાખવામાં આવે છે. આમ 15 દિવસમાં 9000 કિલો બરફનો મૂર્તિને સાચવવા માટે કરવામાં આવે છે. ત્યાર બાદ આ મૂર્તિનું ઘી ઓગાળી તેને લોટ સાથે મિક્સ કરીને નદીમાં પધરાવવામાં આવે છે. જેથી કરીને લોકોની આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે. એમજ આ પોળ ખાતે નવરાત્રીના એક દિવસે વેશભૂષા કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. જ્યાં લોકો પૌરાણિક કથા પ્રમાણેના વસ્ત્રો પહેલી ઉજવણી કરે છે. જેથી પૌરાણિક સંસ્કૃતિ પણ જળવાઈ રહે. અને આજના આધુનિક જમાના સાથે ચાલતા યુવાનોને પૌરાણિક સંસ્કૃતિ શુ છે તેનાથી માહિતગાર પણ કરી શકાય.