એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એ દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આગામી 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીના સીએમ કેજરીવાલને સીબીઆઈએ, ગત એપ્રિલ મહિનામાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દારુ કૌંભાડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા છેલ્લા 8 મહિનાથી જેલમાં છે.
કેન્દ્રીય તપાસ એ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસનો વિસ્તાર વધાર્યો છે. EDએ હવે આ મામલામાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. , એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આગામી 2 નવેમ્બરે હાજર થવા કહ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દારૂ કૌભાંડ કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આ જ કેસમાં, ગત 4 ઓક્ટોબર 2023ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. આ પહેલા 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ વર્ષે દારૂ કૌભાંડ કેસની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું છે. 4 ઓક્ટોબરે સવારે 7 વાગ્યે EDના અધિકારીઓ સંજય સિંહના દિલ્હીના ઘરે પહોંચ્યા હતા. લગભગ 10 કલાક સુધી ચાલેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે AAP નેતા સંજય સિંહની ધરપકડ કરી હતી.