નરગિસ મોહમ્મદીની તબિયત જેલમાં લથડી છે અને ઈરાનના જેલ સત્તાવાળોએ તેને હિજાબ વગર હોસ્પિટલ લઈ જવા માટે ઈનકાર કરી દીધો છે. જેના વિરોધમાં નરગિસે ભૂખ હડતાળ શરુ કરી છે.
નરગિસ મહોમ્મદી ઈરાનમાં મહિલાઓના અધિકાર માટે લડત આપી રહી છે અને તેના કારણે તેને આ વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ મળ્યુ છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, જેલમાં ભૂખ હડતાળ માટે નરગિસ બે બાબતોને આગળ ધરી રહી છે. નરગિસ દ્વારા બીમાર કેદીઓને સારવાર નહી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે અને તેમાં પણ મહિલા કેદીઓને સારવાર માટે હિજાબ પહેરવાની ફરજ પાડવામાં આવતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
નરગિસના પરિવારનુ કહેવુ છે કે, તેના હાર્ટની ત્રણ નસોમાં બ્લોકેજ છે અને તેના ફેફસામાં પણ સમસ્યા છે. આમ છતા જેલના સત્તાધીશો તેની સારવાર કરાવવાનો ઈનકાર કરી રહ્યા છે. કારણકે નરગિસ હિજાબ નથી પહેરવા માંગતી. પરિવારનુ કહેવુ છે કે, નરગિસે તેના વિરોધમાં ભૂખ હડતાળ શરુ કરી છે . તે અત્યારે માત્ર પાણીની સાથે મીઠુ અને ખાંડ લઈ રહી છે. તેણે પોતાની દવાઓ લેવાનુ બંધ કરી દીધુ છે.
નોબેલ પ્રાઈઝ સમિતિએ ઈરાનની સરકારને નરગિસને જરુરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે અપીલ કરી છે.