મે મહિનામાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભડકેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઈ રહી નથી. તાજેતરના ઘટનાક્રમમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે. આ ઘટના મંગળવારે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બની હતી. જેના પછી ફરી હિંસાનો માહોલ સર્જાયો હતો.
જેવા જ અપહરણના અહેવાલ ફરતા થયા કે હથિયારોથી લેસ કુકી આતંકીઓએ ઈમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લા સાથે કાંગચુપ વિસ્તારમાં લોકોના સમૂહ પર ગોળીબાર કરી દીધો હતો જેમાં બે પોલીસકર્મીઓ અને એક મહિલા સહિત સાત લોકો ઘવાયા હતા.
એકને બચાવાયા
અહેવાલ અનુસાર અગાઉ ઉગ્રવાદીઓએ ચાર લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં એક 65 વર્ષીય વૃદ્ધ સામેલ હતા. જોકે આ વૃદ્ધને ઉગ્રવાદીઓના ચુંગાલથી મુક્ત કરી લેવામાં આવ્યા હતા પણ અન્યોની કોઈ ભાળ મળી નથી. અપહરણ કરાયેલા લોકોમાં પુરુષ અને મહિલાઓ બંને સામેલ છે.
પોલીસે આ મામલે શું કહ્યું
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે પાંચ કુકી લોકો ચુરાચાંદપુરથી કાંગપોકપીની મુસાફરી કરી રહ્યા હતા પણ જ્યારે તે કાંગપોકપીની સરહદે પશ્ચિમ ઈમ્ફાલમાં દાખલ થયા તો કથિત રીતે મૈતેઈ લોકોના એક સમૂહે તેમને અટકાવ્યા અને તેમના પર હુમલો કરી દીધો હતો.