ચંદ્રયાન-3 ખૂબ જ સફળ રહ્યું અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના આગામી મિશન ચંદ્રયાન-4 પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી માટીના નમૂનાઓ પરત લાવવાનો છે. જેનાથી ભારત અવકાશ સંશોધનમાં આગળ પડતા દેશોમાં સામેલ થશે. સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ પૂણેમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજીના 62મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પરથી માટીના નમૂનાને પાછો લાવવાનો હશે. તેમણે કહ્યું કે આ મિશનનું લેન્ડિંગ ચંદ્રયાન-3 જેવું જ હશે.
માટીના નમૂનાઓ લવાશે
નિલેશ દેસાઈએ કહ્યું કે, ચંદ્રયાન-4નું કેન્દ્રીય મોડ્યુલ ચંદ્રની પરિક્રમા કરતા મોડ્યુલની સાથે લેન્ડિંગ બાદ પરત ફરશે. જે બાદમાં પૃથ્વીના વાતાવરણની નજીક અલગ થઈ જશે. રી-એન્ટ્રી મોડ્યુલ મૂન રોક અને માટીના નમૂનાઓ સાથે પરત આવશે. આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી મિશન હશે. આશા છે કે આગામી પાંચથી સાત વર્ષમાં અમે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ લાવવાના આ પડકારને પૂર્ણ કરી લઈશું. આ મિશન ચંદ્રયાન-3 કરતાં વધુ જટિલ હોવાની અપેક્ષા છે.
350 કિલો વજનનું ભારે રોવર હશે
ચંદ્રયાન-3માં 30 કિલોનું રોવર હતું, જ્યારે ચંદ્રયાન-4માં 350 કિલો વજનનું ભારે રોવર લોન્ચ કરવાની યોજના છે. જેનાથી ઈસરો માટે પડકાર ઘણા વધી ગયા છે. ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર ચોક્કસ લેન્ડિંગ કરવાનો છે. જે વિસ્તાર હજુ સુધી શોધાયો નથી. રોવરનો શોધ વિસ્તાર 1 કિ.મી. x 1 કિમી છે. જે ચંદ્રયાન-3ના 500 મીટર x 500 મીટર કરતા ઘણું મોટું હશે. ચંદ્રયાન-4ની સફળતા ચંદ્રની માટીના નમૂનાઓ પૃથ્વી પર પરત કરવાની તેની ક્ષમતા પર આધારિત છે. આ ઓપરેશનમાં બે લોન્ચ રોકેટ સામેલ હશે. જે મિશનના સ્કેલ અને જટિલતા દર્શાવે છે. ISRO જાપાની સ્પેસ એજન્સી JAXA સાથે અન્ય ચંદ્ર મિશન, LuPEX પર પણ સહયોગ કરી રહ્યું છે. તે ચંદ્રની કાળી બાજુનું અન્વેષણ કરશે. આ મિશનમાં 350 કિલો વજન ધરાવતું રોવર ચંદ્રની સપાટી પર 90 ડિગ્રી સુધીના વિસ્તારોની શોધ કરશે.