વાયરલ થઈ રહેલા ડીપફેક વીડિયો આજકાલ સમાચારમાં ચમકી રહ્યાં છે. આવા વીડિયો દરેક માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. હવે કેન્દ્ર સરકાર પણ ડીપફેક વીડિયોને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે આગામી 24 નવેમ્બરના રોજ ગૂગલ, ફેસબુક, યુટ્યુબ સહિતના ઓનલાઈન પ્લેટફોર્મને બોલાવ્યા છે અને તેમને ચેતવણી આપી છે કે જો તેઓ તેમની સાઈટ પરથી ડીપફેક વીડિયો દૂર નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સાથોસાથ તેમની સામે ભારતીય કાયદા અનુસાર કેસ પણ નોંધી શકાય છે.
મીડિયા સાથે વાત કરતાકેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે સરકાર તમામ પ્લેટફોર્મને જણાવશે કે તે કેવી રીતે ડીપફેક વીડિયો અને ખોટી માહિતીને ગંભીર ખતરો માનવામાં આવે છે, તેમજ ડીપફેક વીડિયો ભારતના લોકો અને તેનો ઉપયોગ કરતા લોકોની સુરક્ષા માટે કેવી રીતે ગંભીર ખતરા સમાન છે. તેમણે કહ્યું કે સરકાર ગૂગલ, ફેસબુક, યુટ્યુબ સહિતના તમામ ઓનલાઈન પ્લેટફોર્મને ચેતવણી આપશે કે જો તેઓ તેમની સાઈટ પરથી ડીપફેક દૂર નહીં કરે તો તેમની સામે ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો વાંધાજનક સામગ્રી હટાવાય નહીં તો પીડિત કોર્ટમાં જઈ શકે
આ સાથે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે એમ પણ કહ્યું હતું કે જો તમામ પ્લેટફોર્મ માહિતી મળ્યાના 36 કલાકની અંદર તેમની સાઇટ્સ પર પોસ્ટ કરવામાં આવેલા ડીપફેકને દૂર કરી દે છે, તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે. પરંતુ જો તેઓ આમ નહીં કરે તો કોઈ પણ પીડિત વ્યક્તિ તે પ્લેટફોર્મ સામે કોર્ટનો સંપર્ક કરી શકે છે અને ભારતીય દંડ સંહિતા અથવા આઈટી એક્ટ હેઠળ તેમની સામે કેસ દાખલ કરી શકે છે.
કાયદા અનુસાર લોકોને દર્શાવી ના શકાય તેવા 11 મુદ્દાઓ છે
ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે IT એક્ટમાં નવા સુધારાઓ હેઠળ, ઓનલાઈન પ્લેટફોર્મ કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે ડીપફેક લઈ શકતા નથી. તેમણે કહ્યું કે IT એક્ટમાં સુધારા સાથે, તે સાઇટ્સની જવાબદારી બની ગઈ છે કે તે સુનિશ્ચિત કરે કે તેમની પાસે જે પણ સામગ્રી છે તે ખોટી નથી. તેમણે કહ્યું કે 11 પ્રકારના મુદ્દાઓ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, લોકોને બતાવી શકતા નથી, જેમાં બાળકોના યૌન શોષણ, પેટન્ટ ઉલ્લંઘન, ખોટી માહિતીનો પણ સમાવેશ થાય છે.
24મી નવેમ્બરે તમામ પ્લેટફોર્મ સાથે બેઠક
રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, આગામી 24 નવેમ્બરે તમામ પ્લેટફોર્મ સાથે એક બેઠક યોજવામાં આવશે. જેમાં જણાવવામાં આવશે કે સરકાર ડીપફેક અને ખોટી માહિતીને કેટલી ગંભીર ગણે છે. તેમણે કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ આ એક મોટો પડકાર છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો પ્રત્યે સરકાર જવાબદાર છે. તેથી યુઝર્સ માટે તમામ સુરક્ષીત વ્યવસ્થા કરવામાં આવશે.