ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામે તેમનાં બે બિઝનેસ પાર્ટનર્સે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ આ કેસની સુનાવણી આવતીકાલે પ્રતિભા એમ સિંહની કોર્ટમાં થશે. ધોનીના બાળપણનો મિત્ર અને તેની સાથે ક્રિકેટ એકેડમી પ્રોજેક્ટમાં ભાગીદાર રહેલા બિહારના પૂર્વ ક્રિકેટર મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે ધોનીના કારણે થયેલા નુકસાન સામે વળતરની માગણી કરતી અરજી હાઇકોર્ટમાં કરી છે અને અન્ય મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત થતા સમાચારો, તેના પ્રસારણ અને તેમની વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
ધોનીના બિઝનેસ પાર્ટનર્સે કર્યો માનહાનિનો કેસ
બિઝનેસ પાર્ટનર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તેઓએ કોર્ટને ધોની દ્વારા કરવામાં આવેલા 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના ખોટા આરોપોને કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાનથી બચાવવા માટે કહ્યું છે. અરજીમાં માહિતી આપવામાં આવી છે કે 15 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી ઉપરાંત ધોનીએ તેમના પર વર્ષ 2017ના કરારના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો હતો.
થોડા દિવસો પહેલા ધોનીએ મિહિર દિવાકર અને સૌમ્યા દાસ સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે બંનેએ સ્થાપિત એકેડમી અંગેના કરારનું સન્માન કર્યું નથી. આ ઉપરાંત બંનેએ લગભગ 16 કરોડ રૂપિયાની છેતરપિંડી પણ કરી હતી. આ કેસ ધોની તરફથી આરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વિરુદ્ધ રાંચીની નીચલી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.