પાકિસ્તાનની કમનસીબી છાપરે ચઢીને વિશ્વને કહી રહી છે કે અમે જ અમારા પગ પર કૂહાડો ઝીંકી રહ્યા છીએ. પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદીઓ ઘુસાડવાનું કામ કરતું આવ્યું છે અને સરહદે સ્ફોટક વાતાવરણ માટે પ્રયાસો કરતું રહે છે. સ્થિતિ એ છે કે આપણો આ પાડોશી દેશ આજે ઇરાન અને અફઘાન સરહદે સ્ફોટક સ્થિતિનો સામનો કરી રહ્યું છે.
ઇરાનને છંછેડનાર પાકિસ્તાને પોતાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. પાકિસ્તાને પોતાનાથી મજબૂત પાડોશી સાથે સબંધો બગાડીને નુકશાની નોંતરી છે. પાકિસ્તાન એવો દેશ છે કે જેેના તમામ પાડોશી દેશો એનાથી નારાજ છે. કોઈ પાકિસ્તાનને પાડોેશી દેશ તરીકે ઇચ્છતું નથી.
ભારત પોતાના પાડોશી દેશોને અણીના સમયે મદદ કરે છે, જ્યારે પાકિસ્તાન નથી તો પાડોશી દેશો સાથે હાથ મિલાવી શકતું કે નથી તો તેમને કોઇ સહાય કરી શકતું. આજે પાકિસ્તાનની સાથે ઊભો રહેનાર એક માત્ર પાડોશી દેશ ચીન છે, જે તેને સહાય તો કરે છે, પરંતુ તેનેા ઉપયોગ કરીને પોતાનું ધાર્યું કરાવે છે.
ભારત, ઇરાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ સાથે પાકિસ્તાનના સંબંધો એટલા વણસેલા છે કે તેની સાથે કોઇ ઊભું રહેવા તૈયાર નથી. તાજેતરમાં કેનેડાના વિદેશપ્રધાન પાકિસ્તાન ગયા અને તેની પ્રશંસા કરી ત્યારે તેમનો ખૂબ વિરોધ થયો હતો. ભારતના ભૂતપૂર્વ દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ બહુ સાચું જ કહ્યું હતું કે આપણે મિત્રો બદલી શકીએ છીએ, પણ પાડોશી બદલી શકતા નથી.
ભારતે પાકિસ્તાનને સંબંધો સુધારવા માટે અનેક મોકા આપ્યા હતા, પરંતુ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. અનેક કડવા અનુભવો પછી ભારતે પાકિસ્તાન સાથે ચર્ચા કરવાનું બંધ કરી દીધું છે અને કહ્યું છે કે પહેલાં સરહદે ત્રાસવાદ બંધ કરો, પછી ચર્ચા માટે વિચારીએ.
ભારતની કમનસીબી એ છે કે ભારતમાં રહીને જ કેટલાક સત્તાધીશો પાકિસ્તાનના પીઠ્ઠુ હોય એમ વર્તે છે. કાશ્મીરના રાજકારણીઓ તો પાકિસ્તાન સાથે ચર્ચા કરવાના હિમાયતી છે. બલૂચિસ્તાનમાં જ્યારે અલગ દેશ માટે આંદોલન થયું ત્યારે ઇરાન અને પાકિસ્તાને ભેગા થઇને તેને કચડી નાખ્યું હતું. જોેકે એક સમયના આ મિત્રો હવે સામસામે આવી ગયા છે. પાકિસ્તાનની જે સરહદ અફઘાનિસ્તાન અને ઇરાનને સ્પર્શીને આવેલી છે ત્યાં તંગ સ્થિતિ છે. આ ત્રણેય મુસ્લિમ દેશો છે. પાકિસ્તાનની જેમ અફધાનિસ્તાનમાં પણ સુન્ની મુસ્લિમોની સંખ્યા વધુ છે, જ્યારે ઇરાનમાં સિયા મુસ્લિમોની સંખ્યા વધુ છે.
હાલની વાત કરીએ તો પાકિસ્તાનની ભારત સરહદે પ્રમાણમાં શાંતિ છે, પણ અફઘાનિસ્તાન અને ઇરાનની સરહદ સળગી રહી છે. ઇરાને તાજેતરમાં સુન્ની બલોચ ગુ્રપ પર હલ્લો કરીને પાકિસ્તાનને વિમાસણમાં મુકી દીધું છે.
આ બંને દેશો ચીનના ચમચા બની ગયા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનના પંજગર પ્રાંત પર છોડેલી મિસાઇલમાં બે નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઇરાન હુમલો કરશે તે પાકિસ્તાને વિચાર્યું પણ નહોતું. પાકિસ્તાન અને ઇરાન વચ્ચે ૯૦૪ કિલોમીટરની સંયુક્ત સરહદ છે, જ્યાં કેફી દ્રવ્યોની હેરાફેરી મોટા પાયે થઇ રહી છે. આ સરહદે સક્રિય ગુંડા ટોળકીનું કામ ઇરાનમાં હુમલા કરવા અને અપહરણ કરવાનું છે.
ઓક્ટોબર ૨૦૨૩માં ઇરાનના ૧૪ સરહદી રક્ષકોને આ ટોળકીએ મારી નાખ્યા હતા. ૨૦૧૯માં આ ટોળકીએ ઇરાન પર આત્મઘાતી હુમલા પણ કર્યા હતા. ટૂંકમાં, ઇરાન છંછેડાયેલું હતું અને પાકિસ્તાન તેના ગંદા હાથ લંબાવ્યા કરતું હતું.
અફઘાનિસ્તાનના તાલિબાનોને પણ પાકિસ્તાન ટેકો આપતા હતું, પરંતુ જ્યારે તેમણેે અફઘાસ્તિાન પર કબજો જમાવ્યો ત્યારે પાકિસ્તાન તેનું દુશ્મન બની ગયું હતું. અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન- વિરોધી ત્રાસવાદી જૂથોને ટેકો આપતું થયું હતું.
પાકિસ્તાન તેના પાડોશીઓ સાથે સંબંધો સુધારી શકવાની હોંશિયારી બતાવી શક્યું નથી. પાકિસ્તાન ત્રાસવાદી સંગઠનોની પકડમાં છે. ચીન તેનું શોષણ કરી રહ્યું છે અને ભારત વિરૂદ્ધ ઉશ્કેરી રહ્યું છે. આંતરવિગ્રહના મુખ પર ઉભેલા પાકિસ્તાનને ઇરાન રૂપી મુસીબત આંખે પાણી લાવી દેશે. ચીન તરફથી તેને વિશ્વાસઘાતનો સામનો કરવો પડે, તે બિલકુલ શક્ય છે.