કેનેડામાં હાઉસિંગ કટોકટીના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા પર તાત્કાલિક અસરથી બે વર્ષ માટે નિયંત્રણ મૂકવાના નિર્ણયથી કેનેડામાં ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને અસર થઇ શકે છે.
ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરના જણાવ્યા અનુસાર નિયંત્રણને પગલે ૨૦૨૪માં નવા સ્ટુન્ડ વિઝામાં ૩૫ ટકાનો ઘટાડો થશે. આ નિયંત્રણને પગલે ૨૦૨૪માં ૩૬૪૦૦૦ નવા વિઝા જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૩માં ૫,૬૦,૦૦૦ વિઝા જારી કરવામાં આવ્યા હતાં.
તેમણે જણાવ્યું હતું કે આ નિયંત્રણ બે વર્ષ સુધી અમલમાં રહેશે. ૨૦૨૫માં જારી થનારા વિઝાની સંખ્યાનું આ વર્ષના અંતે પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે.
મીડિયાએ મિલરના સંદર્ભથી જણાવ્યું છે કે કેનેડામાં અસ્થાયી વસવાટમાં સ્થિરતા લાવવા તથા ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધે નહીં તે સુનિશ્ચિત કરવા માટે ૨૦૨૪થી નેશનલ એપ્લીકેશન ઇનટેક પર બે વર્ષ માટે નિયંત્રણ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સીબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર કેનેડા હાઉસિંગ કટોકટીનો સામનો કરી રહ્યું છે. વિવિધ પ્રાંતો ફેડરલ સરકાર સમક્ષ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૨માં ૮ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસ્થાયી સ્ટડી વિઝા જારી કરવામાં આવ્યા હતાં. જે પૈકી સૌથી વધુ ૩૧૯૦૦૦ વિદ્યાર્થીઓ ભારતના હતાં. કેનેડા સરકાર કેટલીક નાની ખાનગી કોલેજો સામે પણ કાર્યવાહી કરી રહી છે.