આણંદમા ગુરૂવારે રાજ્યના નાગરીકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૩ માં સ્વાગત- ફરીયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સરકારના આ પ્રજાલક્ષી કાર્યક્રમ અન્વયે હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.
જે અન્વયે આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટરએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના – માર્ગદર્શન આપ્યુ હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે ૧૮ અરજદારોની રજુઆત મળી હતી જેમાંથી ૧૪ અરજદારો હાજર રહ્યાં હતા. તમામ હાજર અરજદારોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત માસના ૧ પેન્ડિંગ પ્રશ્નનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ અને નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.