ખેડા જિલ્લા હોમગાર્ડ દળમાં મહેમદાવાદ યુનિટ ખાતે સેવા આપતા બે હોમગાર્ડ જવાનોએ પોતાની સેવા દરમ્યાન સીપીઆર આપી એક વ્યક્તિનો જીવ બચાવતા આ બન્ને હોમગાર્ડસને રાજ્યપાલશ્રીના એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે. આ એવોર્ડ બુધવારે મોડીરાત્રે જાહેર થયા હતા. જેના પરિણામે હોમગાર્ડદળમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.
મહેમદાવાદ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા સભ્ય અબ્દુલકાદર અબ્દુલરજાક મલેક અને મનોજભાઇ જેસીંગભાઇ વાઘેલાએ તાજેતરમાં રીંછોલ ગામમાં ચંદુભાઇ બબાભાઇ ગોહીલ એકાએક બાઇક ઉપરથી પડીને બેભાન થઇ ગયા હતા. તેઓને એટેક આવ્યો હતો. આ સમયે પીસીઆર વાન લઇને જતા ઉપરોક્ત બન્ને હોમગાર્ડ સભ્યોએ ચંદુભાઇ ગોહીલને સીપીઆરની ટ્રીટમેન્ટ આપીને તેઓનો જીવ બચાવી લીધો હતો. આમ બન્ને હોમગાર્ડ સભ્યોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જે બદલ બન્ને સભ્યોની દરખાસ્ત રાજ્યપાલશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવી હતી અને તેઓના નામની એવોર્ડ માટે પસંદગી થતાં હોમગાર્ડ દળમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. પૂર્વ કમાન્ડન્ટ મહેશભાઇ મહેતા દ્વારા આ બન્ને હોમગાર્ડ સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.