કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોના કારણે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કપડવંજ શહેરની મધ્યેથી પસાર થતાં મોડાસા-કપડવંજ મુખ્ય ધોરી માર્ગના કારણે ચોવીસ કલાક ભારે વાહનો કપડવંજ શહેરમાં આંતરીક રસ્તાથી પસાર થતા હતાં. જેના કારણે ટ્રાફિક સમસ્યા કપડવંજના લોકો માટે માથાના દુઃખાવા સમાન બની ગઇ હતી. ધારાસભ્ય રાજેશ ઝાલાએ તાજેતરમાં સંકલન સમિતિની બેઠકમાં આ પ્રશ્નની ચર્ચા અને તેના નિરાકરણ માટે રજૂઆત કરી હતી.
ધારાસભ્ય રાજેશ ઝાલાની રજૂઆત અને આ સમસ્યાના નિરાકરણ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ખેડા-નડિયાદ દ્વારા તા.1 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી મોટા તથા ભારે વાહનો માટે કેટલાક રસ્તાઓ પર પ્રતિબંધ લગાવીને અન્ય વૈકલ્પિક રસ્તાઓ સૂચવવામાં આવ્યા છે.ખેડા જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ ૩૩ (૧) ખ મુજબ કપડવંજ શહેરમાંથી મોડાસા તરફ પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ નંબર ૫૯ ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. કપડવંજના ધારાસભ્ય સાથે શહેરની અનેક સંસ્થાઓના અગ્રણીઓ તથા સમાજસેવકો, એપીએમસી તથા અખબાર નવેશો દ્વારા આ અંગે રેવન્યુ પોલીસ તેમજ નગરપાલિકા વિવિધ મંડળોને અનેક વખત ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. તે ફળ સ્વરૂપે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું સત્તાવાળાએ જણાવ્યું હતું. તારીખ 31-1-24 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા આ જાહેરનામાનો અમલ પ્રાથમિક તબક્કે તારીખ 1- 2 – 2024 થી તારીખ 31-3-2024 સુધી કરવાનો રહેશે. આ જાહેરનામા અનુસાર નડિયાદ – મોડાસા માટે ભારે વાહનોની અવરજવર માટેનો રૂટ પાંખિયાથી, કાપડીની વાવ, લાડવેલ ચોકડી અમદાવાદ – ઈન્દોર રોડ ઉપર કઠલાલ બાયપાસ થઈ મહુધા તરફ થઈ નડિયાદ જશે અને નડિયાદથી મોડાસા જતા વાહનો આજ માર્ગે કઠલાલ બાયપાસ ચોકડી અમદાવાદ- ઈન્દોર હાઇવે, લાડવેલ ચોકડી, કાપડીની વાવ તરફનો રૂટ મૂકરર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી માટે કપડવંજ શહેર- રૂરલ તથા કઠલાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સત્તાવાળાઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
આ જાહેરનામાથી શહેરમાંથી પસાર થતાં રાજ્ય ધોરી માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા આંશિક રીતે હલ થશે પરંતુ તેની ઉપર રહેલા લારી-ગલ્લા તથા દુકાનદારોના દબાણો ઉપર તેની કોઈ અસર વર્તાશે નહીં. તેથી તેની ઉપર અંકુશ લાવવા માટે સ્થાનિક સત્તા મંડળોએ યોગ્ય કાર્યવાહી કરવા કટિબદ્ધ બનવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારે વાહનોના ચાલકો સામે પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 ફોજદારી અધિનિયમ 1860 ની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.