તાજેતરમાં વિધાનસભાના બજેટસત્રમાં આણંદ સહિત 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ ખેડા જિલ્લાના વડામથક નડિયાદને સ્થાન નહીં મળતા જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની આ વર્ષો જૂની માગણી છે. જે સરકાર દ્વારા ન સતોષાતા આ સિમિતના સભ્યો દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
રવિવારે સાંજે શહેરના હાર્દસમા સરદારની પ્રતિમા પાસે આસમિતિ સહિત અન્ય સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી દેખાવો કરાયા હતા.
આ ઉપરાંત સમિતિના સભ્યો દ્વારા થોડા સમય માટે રોડ પર બેસી નગરપાલિકાને મહાનગરપાલિકા ઘોષિત કરવા માંગ કરી હતી. હાથમાં વિવિધ પ્લેકાર્ડ જેમાં નડિયાદને મહાનગરપાલિકા કેમ નહીં?, નડિયાદને અન્યાય શા માટે ?, નડિયાદના પ્રજાજનો જાગો….નડિયાદને થયેલ અન્યાય દૂર કરો….વર્ષો જૂની માંગણી પૂરી કરો….જેવા મુદ્દાઓ ઉઠાવી જબરદસ્ત દેખાવો કરાયા હતા. મહાનગરપાલિકાના દરજ્જા માટે આ લડત ચલાવાઈ રહી છે.
નડિયાદ નગર સાક્ષરોની ભૂમી છે સાથે સાથે સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે. આ ઉપરાંત ઈન્દુલાલ યાજ્ઞિક સહિત અનેક નેતાઓ જે દેશ માટે બલિદાન આપ્યું છે તેઓની ભૂમિ છે. ત્યારે આ મહાનગરપાલિકા નહીં બનાવવતા હડહડતો અન્યાને લઈને આ વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત બે દાયકા પહેલાં ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લો છૂટા પડ્યા બાદ આણંદને મહાનગરપાલિકા ઘોષિત કરી છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ સાથે અન્યાય થયો છે.
આ વખતે મહામંત્રી ઘનશ્યામભાઇ કા.પટેલ, દશરથભાઈ બારોટ, રસીકલાલ પરમાર, ગોરધનભાઈ પ્રજાપતિ, પ્રતિક શ્રીમાળી, વિનોદ કોન્ટ્રાકટર, અરવિંદભાઈ કા.પટેલ, ચિમનભાઈ મેકવાન, રમેશભાઈ આહીર, ગોરધનભાઈ પ્રજાપતિ, બિપીનભાઇ પટેલ સહિત અગ્રણીઓ જોડાયા હતા. અને સૌએ નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા માગણી કરી હતી.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)