રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે અપેક્ષા પ્રમાણે ૬.૫૦ ટકા રેપો રેટ જાળવી રાખ્યો હતો. સતત છઠ્ઠી બેઠકમાં વ્યાજ દર જાળવી રખાયો છે. દેશમાં રિટેલ ફુગાવો હજુ પણ ઊંચોે છે અને તે સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા બેઠકના અંતે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. રેપો રેટ યથાવત રખાતા વિવિધ લોન્સના દર તથા ઈએમઆઈમાં કોઈ વધઘટ જોવા નહીં મળે.
એમપીસીના છ સભ્યોમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ જાળવી રાખવા જ્યારે એક સભ્યએ વ્યાજ દર ઘટાડવાની તરફેણ કરી હતી. વ્યાજ દર યથાવત રહેતા લોનધારકોએ તેમના ઈએમઆઈમાં ઘટાડા માટે હજુ લાંબો સમય રાહ જોવી પડશે. રેપો રેટમાં કયારે ઘટાડો કરાશે તેવા કોઈ સંકેત એમપીસીની બેઠકના અંતે મળ્યા નહોતા.
એમપીસીના આજના નિર્ણયને કારણે બેન્કો તથા નાણાં સંસ્થાઓ વ્યાજ દરના હાલના સ્તર જાળવી રાખશે તેમ જણાય રહ્યું છે.
મે ૨૦૨૨થી સતત છ વખત વ્યાજ દર વધારી તેને ફેબુ્રઆરી, ૨૦૨૩ સુધીમાં ૬.૫૦ ટકાના સ્તરે લઈ ગયા બાદ રિઝર્વ બેન્કે આ સ્તર સતત જાળવી રાખ્યું છે.
વર્તમાન તથા ઊભરી રહેલા બૃહદ્ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી રેપો રેટ જાળવી રાખવા નિર્ણય લેવાયો હોવાનું દાસે જણાવ્યું હતું. એમપીસીના છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ જાળવી રાખવા મતદાન કર્યું હતું એક સભ્ય જયંત વર્માએ વ્યાજ દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવા તરફેણ કરી હતી.
આર્થિક વિકાસને ટેકો આપવા સાથે ફુગાવાને ચાર ટકાના ટાર્ગેટ સુધી લાવવા એકોમોડેટિવ વલણ પાછું ખેંચવા પર ધ્યાન આપવાનું ચાલુ રખાશે. બે ટકા ઉપરનીચે સાથે રિઝર્વ બેન્કને ફુગાવાને ચાર ટકા સુધી સીમિત રાખવા જવાબદારી સોંપાઈ છે.
આગામી નાણાં વર્ષ માટે રિઝર્વ બેન્કે દેશના આર્થિક વિકાસ દરનો અંદાજ સાત ટકા મૂકયો છે જ્યારે ફુગાવો ૪.૫૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે વર્તમાન નાણાં વર્ષ માટે આર્થિક વિકાસ દરનો અંદાજ ૭.૩૦ ટકા મૂકયો છે. દેશની આર્થિક પ્રવૃત્તિ મજબૂત બની રહી છે, એમ દાસે જણાવ્યું હતું.
ભૌૈગોલિક રાજકીય તાણો, આંતરરાષ્ટ્રીય નાણાં બજારમાં વોલેટિલિટી તથા ભૌૈગોલિકઆર્થિક વિભાજનને કારણે વિકાસ અંદાજ સામે જોખમૉે તોળાઈ રહ્યા હોવાનું પણ દાસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૩-૨૪માં રિટેલ ફુગાવો ૫.૪૦ ટકા રહેવાની ધારણાં છે. ૨૦૨૪નું ચોમાસુ સામાન્ય રહેવાની ધારણાંને આધારે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં રિટેલ ફુગાવો ૪.૫૦ ટકા રહેવાનો અંદાજ મુકાયો છે.
ઘરેલું આર્થિક પ્રવૃત્તિ સારી સ્થિતિમાં છે અને રવિ વાવણીમાં ગતિ, ઈન્વેસ્ટમેન્ટ માગ, વેપાર ક્ષેત્રમાં આશાવાદ તથા ઉપભોગતાના વધી રહેલા વિશ્વાસમાં વધારાથી અર્થતંત્રને ટેકો મળી રહ્યો હોવાનું એમપીસીએ નોંધ્યું હતું.
એમપીસીની બેઠકના મહત્વના મુદ્દા
સતત છઠ્ઠી વખત રેપો રેટ ૬.૫૦ ટકા જાળવી રખાયો
વ્યાજ દરમાં ઘટાડો નહીં થતાં લોનધારકોને હાલમાં કોઈ રાહત નહીં
આગામી નાણાં વર્ષ માટે રિઝર્વ બેન્કે દેશના આર્થિક વિકાસ દરનો અંદાજ સાત ટકા મુકાયો
નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ફુગાવો ૪.૫૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે
એમપીસીના છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ જાળવી રાખવા મતદાન કર્યું હતું જ્યારે એક દ્વારા ઘટાડાની તરફેણ
ગ્રામ્ય માગમાં આવી રહેલી ગતિ શહેરી ઉપભોગમાં મજબૂતાઈ
બીજી ફેબુ્રઆરીના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ વધી ૬૨૨.૫૦ અબજ ડોલર પહોંચ્યું