ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર ઈશ્વરિયા ગામ પાસે અમરેલી વિભાગની બસ ઉભી ન રખાતાં યાત્રિકો અસુવિધા ભોગવી રહ્યા છે. તંત્રની અકોણાઈ બાબતે સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆત થઈ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત અંતરિયાળ ગામોનાં યાત્રિકોને સુવિધા હેતુ આયોજનો થાય છે, જે સારી બાબત છે, પરંતુ સ્થાનિક બસ ગામડાના ઉતારુઓને સુવિધા લાભ આપવામાં અવળાઈ કરી રહ્યાનું ઈશ્વરિયા ગામના યાત્રિકોને અનુભવાયું છે. આ અસુવિધા ભોગવી રહેલા યાત્રિકોના રોષ સંદર્ભે તંત્રની અકોણાઈ બાબતે કાર્યકર્તા મૂકેશકુમાર પંડિત દ્વારા સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆત કરી છે.
ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થતી અમરેલી વિભાગની સ્થાનિક બસ સોનગઢ અને સણોસરા વચ્ચે આવેલા ઈશ્વરિયા ગામ (પાટિયા) પર ઊભી રાખવામાં આવતી નથી. અહીંયા નિયમાનુસાર બસ ઉભી રાખવા મંજૂરી હોવાં છતાં અમરેલી વિભાગના જે તે કેન્દ્રોની બસ ઉભી રાખવામાં આવતી નથી. અહીંયા વિદ્યાર્થીઓ તેમજ રોજગાર હેતુ આવ જા કરતાં કાયમી યાત્રિકો આ સુવિધાથી વંચિત રહે છે અને ના છૂટકે ખાનગી વાહનોમાં ગેરકાયદે મુસાફરી કરી રહ્યા છે, જેથી તાકીદની અસરથી ભાવનગર સાવરકુંડલા સહિત ભાવનગર તેમજ અમરેલી વિભાગની અન્ય બસને ઈશ્વરિયા પાટિયા પર થોભવા માટે આદેશ થાય તે અપેક્ષા છે.
સરકારનાં ઉમદા હેતુ છતાં કેટલાંક કિસ્સાઓમાં સ્થાનિક તંત્રના વાંકે ગ્રામ્ય વિસ્તારમાં બસ પસાર થતી હોવા છતાં ઉભી ન રખાતાં સ્થાનિક ઉતારુઓને સુવિધાથી વંચિત રાખવામાં આવે તે બાબત ખેદ જનક છે.