ખેડા જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈ રમણભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાની રૂ.1.20 લાખની સહાય મળતા આજે તેઓ પોતાનુ પાક્કુ અને ધાબાવાળુ મકાન બનાવી શક્યા છે.
નવા આવાસ પહેલાની સ્થિતિ વિશે જણાવતા 56 વર્ષીય અરવિંદભાઈ રમણભાઈ કહે છે કે પહેલા તેમને ચોમાસા દરમિયાન ખૂબ જ તકલીફ પડતી હતી. વ્યવસાયે ઓટો-રીક્ષા ડ્રાઈવર હોવાથી તેઓ મોટા ભાગે ઘરની બહાર હોય. વળી મોટો પરીવાર અને પશુપાલનની જવાબદારી હોવાથી કાચા ઘરમાં તેમને વરસાદી ઋતુમાં ઝેરી જીવજંતુઓનો ખૂબ જ ડર રહેતો હતો. ઘણીવાર તેઓ વરસાદના સમયે આખી રાત ખાટલા પર જ બેસીને જાગતા અને બધી ચીજવસ્તુઓની દેખરેખ રાખતા.
પરંતુ હવે સરકારની સહાયથી બનાવેલ નવા મકાનમાં તેમને વરસાદ સમયે થતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવ્યો છે અને તેઓ આનંદથી સહપરીવાર નવા મકાનમાં નિર્ભય બનીને રહે છે જે બદલ તેઓ સરકારનો આભાર માને છે.