મહિલા અને બાળ વિકાસ વિભાગ વડોદરા ઝોનના સહયોગથી આઇ.સી.ડી.એસ શાખા નડિયાદ દ્વારા આંબેડકર હોલ ખાતે કિશોરી જાગૃતિ કાર્યક્રમ “પૂર્ણા સફર” યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રાદેશિક મહિલા અને બાળ વિકાસ કચેરીના વિભાગીય નિયામક દિશાબેન ડોડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટે પૂર્ણા યોજનાની માહિતી આપતા જણાવ્યું કે, આ યોજના હેઠળ ૧૫-૧૮ વર્ષની કિશોરીઓને લાભ આપવામાં આવે છે, જેમાં જાન્યુઆરી ૨૦૨૪માં ૪૬૦ કિશોરીઓને લાભ આપવામાં આવ્યો હતો. સાથોસાથ મનીષાબેને પૂર્ણા યોજનાને લગતી માહિતી વિશે કિશોરીઓને માહિતગાર કર્યા હતા. આ યોજના વિશે જાણકારી આપતા તેઓએ જણાવ્યું કે, પૂર્ણા યોજના કિશોરીઓને શિક્ષિત અને સક્ષમ કરવાની સફર છે. જેથી તેઓને સ્વાવલંબી બની સમર્થ થવા સક્ષમ બનાવી શકાય તેઓની પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો લાવી શકાય તે છે.
આ કાર્યક્રમમાં કિશોરીઓ દ્વારા પૂર્ણા યોજનાની માહિતી અને તેમના જીવનમાં પૂર્ણા યોજનાના ઉપયોગો વિશે વક્રૃત્વ સ્પર્ધા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત કિશોરીઓ દ્વારા વ્યવસાયિક અનુસંધાને એકાંકિ વકતવ્ય તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. સાથોસાથ નડિયાદ બધીર વિદ્યાલયની કિશોરીઓ દ્વારા નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્તમાન જાહેર સેવાઓ જેમ કે, સેલ્ફ ડિફેન્સ ડેમો તથા જિલ્લા ખાતે અભયમ ટીમના કોઓર્ડિનેટર દ્વારા અભયમ હેલ્પ લાઈન વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમા તાલુકા પ્રમુખ, મહિલા આગેવાન, આઇ.સી.ડી,એસ વિભાગના વિભાગીય નિયામક તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ માહિતી નિયામક અને મોટી સંખ્યામા કિશોરીઓ તેમજ આઇ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.