પોતાના પ્રકૃતિમાં વિચરવાના અંતરગ શોખને હંમેશા જીવંત રાખવાની નેમ સાથે કપડવંજના હર્ષિલ નિમેશભાઈ શાહ (તેલના વેપારી) આણંદ, અમદાવાદ સહિત ગુજરાતના ૨૬ સાહસિક યુવાનોએ પોતાના ટ્રેકિંગના શોખને પ્રાથમિકતા આપતા ગઢવાલ હિમાલય જે ભારતના ઉત્તરાખંડ રાજ્ય સ્થિત છે.તેમાં અનેક પર્વતો એવા છે કે જેની ગણના વિશ્વના સૌથી ઉંચા પર્વતો તરીકે માનવામાં આવે છે. તે શ્રેણીમાં સમાવિષ્ટ એવા કુંવારી પાસ ટ્રેકનું ગત તા.૦૫ ફેબ્રુઆરી થી શરૂ કરી ૧૦ ફેબ્રુઆરી સુધીમાં સફળ આરોહણ કરી વધુ એક સિધ્ધિના સોપાન સર કરતા સમગ્ર કપડવંજ,આણંદ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સદર ટ્રેકિંગ કાર્યક્રમ ટ્રેકીંગના શોખીનો એવા કપડવંજના હર્ષિલ શાહ, આણંદના પાર્થ પરાશર, પ્રશાંત ગોહેલ, દિવ્યાંગ રાણા, હિનલ રાણા,જય રાણા, અમદાવાદથી મિતેષ પ્રજાપતિ, ચિરાગ રામી, ધવલ પ્રજાપતિ, રાજ રાવલ, કુલદીપ પ્રજાપતિ, દ્રષ્ટિ પ્રજાપતિ, ટ્વિંકલ શાહ, ગજેન્દ્ર, આયુષ,આઘ્યા,અનુજ સહિત કુલ-૨૬ સાહસિકોએ ટ્રેક ધ હિમાલયની સાથે મોડરેટની શ્રેણીમાં સમાવિષ્ટ ગઢવાલ હિમાલયની કુંવારી પાસમાંથી તથા હિમાલયન પર્વતમાળાઓનો અજોડ નજારો કે જે ચારે બાજુએથી ઘેરાયેલો છે. તથા દ્રોણગીરી પર્વત, હાથી પર્વત, ગૌરી પર્વત, નંદા દેવી અને અને કેટલાક હિમાલયના અદ્ભુત શિખરોનો નજારો સાહસિકો માટે અવિસ્મરણીય બની ગયો હતો. અતિ રમણીય કુંવારી પાસ પર સફળ આરોહણ કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સાહસિકોના જણાવ્યાનુસાર આ કઠિન ટ્રેકીંગ મહેનત અને પ્રચંડ સાહસિકતા દાખવતા સતત ૬ દિવસ સુધી વિષમ પરિસ્થિતિમાં જોખમકારક ઢોળાવ, અતિશય ભારે પવન અને ભયજનક વળાંક પર ચાલ્યા હતાં અને કુંવારી પાસ શિખર ઉપર ગૌરવભેર ત્રિરંગો લહેરાવ્યો હતો.