લોકસભાની ચૂંટણી માટે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ મોકલ્યું છે. ઈડીએ કેજરીવાલને છ સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ કોઈને કોઈ કારણોસર ઈડી સમક્ષ હાજર થયા નથી.
છ સમન્સ છતાં કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપો છે અને ઈડીએ આ જ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. અગાઉ 14 ફેબ્રુઆરીએ પણ ઈડીએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું, પરંતુ છઠ્ઠા સમન્સ પર પણ કેજરીવાલ હાજર થયા ન હતા. વર્ષ 2023મા 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ ઈડીએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું.
દિલ્હી લીકર પોલિસી શું છે?
નવેમ્બર 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિની શરૂઆત કરી હતી, તેના કરણે દિલ્હીમાં દારૂ સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ મળી હતી. જોકે, ભાજપ દ્વારા દારૂ વેચવા માટેના લાયસન્સ આપવામાં ગોટાળો થયનો આક્ષેપ લગાવ્યો હતો અને તેના અનુસાર, પાર્ટીના મનપસંદ ડીલરોને લાભ મળ્યો. જુલાઈ 2022 સુધીમાં મામલો એટલો ગરમાયો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ મુખ્ય સચિવ પારેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની મંજૂરી આપી હતી. આ કેસની તપાસમા સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. બાદમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી હતી.