સમન્સ બાદ સમન્સ પાઠવવામાં આવે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી. સાતમું સમન્સ ED દ્વારા કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું, પરંતુ પહેલા છ સમન્સની જેમ આ વખતે પણ કેજરીવાલે EDને સમય આપ્યો ન હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
AAPએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ મામલો હાલમાં કોર્ટમાં છે, જેની આગામી સુનાવણી 16 માર્ચે છે. આવી સ્થિતિમાં EDએ દરરોજ સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. વાસ્તવમાં, EDએ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું, જે મુજબ તેમણે સોમવારે 26 ફેબ્રુઆરીએ ED સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તેમણે તેમ કર્યું ન હતું.
‘ગઠબંધનથી અલગ થવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે’
આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, મોદી સરકાર તેમના પર ઈન્ડિ ગઠબંધનથી અલગ થવા માટે દબાણ કરી રહી છે. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે ગઠબંધનથી અલગ નહીં થાય, તેથી મોદી સરકારે તેના પર દબાણ ન બનાવવું જોઈએ. આ પહેલા પણ AAP મંત્રી આતિશીએ કહ્યું હતું કે તેમની પાર્ટી પર ઈન્ડિ ગઠબંધનથી અલગ થવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
‘નિર્દોષત્તાનું ઉત્તમ ઉદાહરણ છે’
સાત સમન્સ મળ્યા બાદ પણ ED સમક્ષ હાજર ન થવા બદલ દિલ્હી ભાજપે કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરનું કહેવું છે કે, સીએમ કેજરીવાલ નિર્દોષતાનું એક મોટું ઉદાહરણ છે. તેણે EDના સમન્સ પર કોર્ટનો ઉલ્લેખ કર્યો છે. બીજેપી પ્રવક્તાએ કહ્યું કે જો કેજરીવાલ કોર્ટનું આટલું સન્માન કરે છે, તો તેમણે જાણવું જોઈએ કે કોર્ટે તેમના પર ED સમક્ષ હાજર થવા પર કોઈ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો નથી.
‘તેઓ ગુનેગાર છે એટલે હાજર થતા નથી’
આ સાથે બીજેપી પ્રવક્તાએ એમ પણ કહ્યું કે જો કોર્ટ કેજરીવાલને 16 માર્ચે ED સમક્ષ હાજર થવાનું કહે તો તેઓ શું કરશે. પ્રવક્તાએ કહ્યું કે કેજરીવાલ આવકવેરા અધિકારી રહી ચૂક્યા છે અને તમામ કાયદાઓથી સારી રીતે વાકેફ છે, તેથી તેમણે EDના સમન્સનું પાલન કરવું જોઈએ અને તેની સમક્ષ હાજર થવું જોઈએ. પ્રવક્તાએ કહ્યું કે જો કેજરીવાલ નિર્દોષ છે તો તેમને કોઈ ફસાવી શકે નહીં, પરંતુ તેઓ ગુનેગાર છે અને તેથી જ તેઓ ED તરફથી સાત સમન્સ મળ્યા બાદ પણ હાજર થયા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં ED મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. તેણે આ મામલે દિલ્હી સરકારના અન્ય નેતાઓની પણ પૂછપરછ કરી છે. આ કેસમાં AAP નેતા સંજય સિંહ અને મનીષ સિસોદિયા જેલમાં છે. જ્યારે, ED કેજરીવાલની પણ પૂછપરછ કરવા માંગે છે જેના માટે તેમને સતત સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે EDની કાર્યવાહી રાજકીય રીતે પ્રેરિત છે. તે કેજરીવાલ સરકારને બદનામ કરવાના ષડયંત્રના ભાગરૂપે કાર્યવાહી કરી રહી છે.