દેશમાં પ્રતિ પરિવાર લોનની રકમનો બોજ વધી રહ્યો છે. માર્ચ 2018માં પારિવારિક લોન 52.3 લાખ કરોડ હતી જે માર્ચ 2023 સુધી 102.5 લાખ કરોડ સુધી પહોંચી ગઇ છે. એટલે કે પાંચ વર્ષમાં આશરે બે ગણી થઇ ગઇ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દરમિયાન કોમર્શિયલ બેન્કથી લોનમાં વાર્ષિક સરેરાશ 14 ટકા વધી છે. જ્યારે નોનબેન્કિંગ નાણાકંપનીઓ (એનબીએફસી) પાસેથી લોન 24 ટકાના દરે વધી છે. નિષ્ણાતો કહે છે કે એનબીએફસીના વ્યાજદર અપેક્ષાકૃત વધારે છે. જોકે કોમર્શિયલ બેન્કોની સરખામણીમાં તેમની હાજરી વધારે છે. કનેક્ટિવિટી વધારે સારી છે.
પરંતુ લોનમાં હજુ પણ બેન્કિંગ સેક્ટરની 80 ટકા હિસ્સેદારી
- વર્ષ 2018માં જીડીપીની સરખામણીમાં પારિવારિક લોન 28.5 ટકા હતી 2023માં વધી 37.6 ટકા થઇ.
- હાઉસહોલ્ડ લોનમાં જો વાર્ષિક વધારો જોવામાં આવે તો 2019માં 14 ટકા, 2020માં 17 ટકા, 2021માં 11 ટકા, 2022માં 12 ટકા, અને 2023માં 18 ટકા રહ્યો હતો.
- દેશમાં 80 ટકા લોન હજુ પણ બેન્કિંગ સેક્ટર પાસેથી લેવામાં આવી રહી છે. બાકી 20 ટકામાં અન્ય નાણાસંસ્થાઓ છે.
પારિવારિક લોન વધવાની બાબત ચિંતાજનક નથી… - ઇબીઆઇના ફાઈનાન્સિયલ સ્ટેટિબિલિટી રિપોર્ટ-2023 મુજબ નાણાસંસ્થાઓ પાસેથી જ લોનમાં વધારો થવાની બાબત ચિંતાજનક નથી. કારણ કે લોકો સંપત્તિ (ઘર, કાર વગેરે) માટે લોન લઇ રહ્યા છે. પારિવારિક લોનમાં હોમલોનની હિસ્સેદારી 37 ટકા અને કાર લોનની હિસ્સેદારી 21 ટકા છે.
25 કરોડથી વધુની નેટવર્થ ધરાવતા 22% લોકો ઘર ખરીદશે અને 17% લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરશે
દેશમાં અલ્ટ્રા-હાઈ-નેટવર્થ (જેમની સંપત્તિ રૂ.25 કરોડથી વધુ છે) લોકોની સંખ્યા વર્ષ 2023માં 6% વધીને 13,263 થઈ. 2028 સુધીમાં દેશમાં સુપર રિચની સંખ્યામાં 50% અને વિશ્વમાં 28%નો વધારો થઈ શકે છે. આ આંકડા નાઈટ ફ્રેન્ક વેલ્થ રિપોર્ટ-2024માં સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં વિશ્વના સુપર રિચમાં 4%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર વિશ્વના 22% સુપર રિચ આ વર્ષે ઘર ખરીદવા માટે રોકાણ કરવા માંગે છે. જેમાં 28-43 વર્ષની વયની મહિલાઓની સંખ્યા સૌથી છે. દેશમાં માત્ર 12% અમીર લોકો જ ઘર ખરીદવા તૈયાર છે. વિશ્વના 17% અમીર લોકો લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવા માંગે છે. 65% ધનિકોએ કહ્યું કે તેઓ આ વર્ષે તેમની સંપત્તિમાં વધારો થવાની અપેક્ષા રાખે છે.
દેશના અમીર લોકોની વૈભવી પસંદગીમાં ઘડિયાળ પ્રથમ સ્થાને
- દેશના સુપર રિચની લક્ઝરી પસંદમાં ઘડિયાળ પહેલા સ્થાને છે. આર્ટ બીજા, જ્વેલરી ત્રીજા, ક્લાસિક કાર ચોથા, લક્ઝરી હેન્ડબેગ પાંચમા, વાઈન છઠ્ઠા, રેર વ્હિસ્કી સાતમા, ફર્નિચર આઠમા, રંગીન ડાયમંડ્સ નવમા, સિક્કા 10મા સ્થાન પર છે.
- વિશ્વના સુપર રિચ વર્ગના શોખમાં આર્ટ ટોચ પર છે. બીજા ક્રમે ઘડિયાળ, ત્રીજા ક્રમે ક્લાસિક કાર, ચોથા ક્રમે વાઈન, પાંચમા ક્રમે જ્વેલરી, આઠમા ક્રમે સિક્કા, નવમા ક્રમે રંગીન હીરા અને દસમા ક્રમે ફર્નિચર છે.
- લક્ઝરી રેસિડેન્સ માર્કેટમાં મુંબઈ પણ ટોપ-10માં…
- ઈટ ફ્રેન્કના પ્રાઇમ ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ ઈન્ડેક્સમાં મુંબઈ 8મા ક્રમે છે. 2022માં તે 37મા ક્રમે હતું. આ રેન્કની ગણતરી વૈભવી રહેઠાણોની કિંમતોમાં વાર્ષિક વધારાના આધારે કરવામાં આવે છે. આ યાદીમાં દિલ્હી 37મા અને બેંગલુરુ 59મા સ્થાને છે. મનીલા નંબર વન પર છે.