કપડવંજ કોર્ટ સંકુલમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કપડવંજ બાર એસોસિએશન દ્વારા આજે નગરપાલિકા ચીફ ઓફિસર કૈલાશબહેન પ્રજાપતિ અને પી.ડબલ્યુ.ડી.સેક્શન ઓફિસરને આવેદનપત્ર આપી સત્વરે આ પાણીની સમસ્યા હલ કરવા જણાવ્યું હતું. કોટૅ સંકુલથી નગરપાલિકા તથા પી.ડબલ્યુ.ડી.ની કચેરીએ બાઈક રેલી કાઢીને એસોસિએશનના સભ્યોએ “પાણી આપો પાણી આપો, વકીલ એકતા જિંદાબાદ, ન્યાય આપો ન્યાય આપો” ના નારા પોકારી વાતાવરણ ગજવ્યું હતું. હાલ વકીલોની ઉપરોક્ત રજૂઆત સંદર્ભે જવાબદાર અધિકારીઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હોવાનું જાણવા મળેલ છે.
કપડવંજ બાર એસોસીએશન પ્રમુખ જીતેન્દ્રસિંહ એસ.સોલંકી સેકેટરી પી.એચ.ઝાલાની આગેવાની હેઠળ અપાયેલ આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કપડવંજ એડીશનલ સેશન્સ કોર્ટ અમલમાં આવી તે અગાઉ ત્રણ કોર્ટ કાર્યરત હતી અને હાલ કુલ—ચાર કોર્ટ કાર્યરત થયેલ છે. જેના કારણે દિવસ દરમિયાન અસંખ્ય પક્ષકારો, વકીલો, કોર્ટ સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા અન્ય વ્યક્તિઓને દિવસ દરમિયાન અવર-જવર રહેતી હોય કપડવંજ કોર્ટ સંકુલમાં પીવાના પાણીની તથા રોજીંદા ઉપયોગના પાણીની પારાવાર મુશ્કેલી વર્ષોથી ઉદભવે છે જે અંગે જરૂરી સત્તાધીકારીઓનું ધ્યાન દોરવા છતાં કોઈ નકકર પગલા લેવામાં આવેલ નથી અને હાલના સંજોગોમાં પીવાના પાણીની તથા વાપરવાના પાણીની પારાવાર મુશ્કેલી ઉભી થઈ હોય ત્વરીત નિકાલ કરી પાણીની વિકટ સમસ્યા દીન-૧૦ માં દુર કરી આપવી જો આ બાબતે કોઈ નકકર પગલા નહી લેવામાં આવે તો તમારા વિરૂધ્ધ, જવાબદાર વ્યક્તિ વિરૂધ્ધ ન્યાયિક કાર્યવાહી કરવાની તથા યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેની ગંભીર નોંધ લેવામાં આવે તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
કપડવંજ બાર એસોસિએશનની કારોબારી અને જનરલ મિટિંગમાં ઠરાવવામાં આવેલ આવેદનપત્ર આપવાના નિર્ણયને અમલમાં મૂકી આજે કપડવંજ બાર એસોસિએશનના પ્રમુખ, મંત્રી સહિત ઉપપ્રમુખ સિનિયર વકીલ એમ. ટી.ઝાલા, જે.યુ. મલેક.એમ વાય.મલેક, જોઇન્ટ સેક્રેટરી ભાવિક ભટ્ટ, દિનેશભાઈ સોની, ફરીદ મિર્ઝા, દેવેશ શર્મા, શૈલેષ સોની સહિત એશોસિએશનના સિનિયર અને જુનિયર સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકતા અને સંપના દર્શન કરાવ્યા હતાં.
રીપોટૅર-સુરેશ પારેખ (કપડવંજ)